અમદાવાદમાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઊજવણી માટે પાર્ટી પ્લોટ્સ, ફાર્મ હાઉસોને મંજુરી અપાશે નહીં
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર ફરીવાર નિયંત્રણો લાદવાનું વિચારી રહી છે. બીજીબાજુ જાહેર સમારોહમાં વધુ મેદની એકઠી ન કરવા અપિલ કરવામાં આવી છે. તેમજ નાતાલનું પર્વ પણ કોરોનાની ગાઈડલઈનના પાલન સાથે ઊજવવા સરકારે અપિલ કરી છે. શહેરના ઘણાબધા યુવાનો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઊજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ચાલુ વર્ષે 31 ડિસેમ્બરે અમદાવાદની એક પણ હોટલ, રેસ્ટોરાં, ક્લબ, પાર્ટી પ્લોટ કે, ફાર્મ હાઉસમાં ડાન્સ પાર્ટીને મંજુરી ન આપવાનો પોલીસ વિભાગે નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં એક બાજુ કોરોનાના કેસ વધી રહ્યા છે અને બીજી બાજુ ઓમિક્રોનના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને પોલીસ એક પણ જગ્યાએ ડાન્સ પાર્ટી માટે મંજૂરી આપશે નહીં. જેથી બીજા વર્ષે પણ યુવા પેઢીને ડાન્સ પાર્ટી વગર જ 31 ડિસેમ્બરની ઉજવણી કરવી પડશે. કોરોનાના કારણે હાલમાં પણ લગ્ન સહિતના પ્રસંગોમાં માત્ર 400 માણસોને જ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને ઓમિક્રોનનો સંભવિત ખતરો પણ છે. જેની ગંભીરતાથી નોંધ લઈને રાજ્ય સરકારે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દર વર્ષે યોજાતો કાંકરિયા કાર્નિવલનો કાર્યક્રમ પણ સરકારે રદ કર્યો છે. જોકે, એક પણ ડાન્સ પાર્ટીના આયોજકે હજુ સુધી પોલીસની મંજૂરી લેવા માટે પ્રક્રિયા શરૂ કરી જ નથી. જ્યારે ડાન્સ પાર્ટી યોજતા આયોજકોનું કહેવું છે કે હજુ સુધી સરકારે 31 મી ડિસેમ્બરની ડાન્સ પાર્ટી યોજવા માટે મંજુરી આપવાની સત્તાવાર કોઇ જાહેરાત કરી નથી. જેના કારણે પોલીસ દ્વારા પણ આ દિશામાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના એસપી રિંગ રોડ ઉપર શીલજ, રાંચરડા તેમજ થોર તળાવ રોડ ઉપર મોટી સંખ્યામાં ફાર્મ હાઉસો બની ગયા છે. આ ફાર્મ હાઉસોમાં દર વર્ષે 31 મી ડિસેમ્બરે પર્સનલ ડાન્સ પાર્ટીઓ યોજાય છે. પરંતુ 2020 માં કોરોનાના કારણે ત્યાં પણ પાર્ટીઓ યોજાઈ ન હતી અને આ વર્ષે પણ યોજાવાની શક્યતા નહિવત્ છે. આ ઉપરાંત ક્લબો, હોટલો, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટ મળીને 75 જગ્યાએ દર વર્ષે 31 ડિસેમ્બરે રાતે ડાન્સ પાર્ટી યોજાતી હતી. પરંતુ 2020થી કોરોનાના કારણે આ તમામ જગ્યાએ ડન્સ પાર્ટીઓ રદ કરી દેવાઈ છે. રાજ્યમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાતા પાર્ટીઓનું આયોજન પડી ભાગ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, 31 મી ડિસેમ્બરની ડાન્સ પાર્ટી માટે કમિશનર કચેરીની લાઈસન્સ બ્રાંચની મંજૂરી લેવી પડે છે. જેમાં કેટલા માણસો આવવાના છે, તેમના પાર્કિંગની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, એન્ટ્રી – એકઝીટ ગેટ ઉપર ડોર ફ્રેમ મેટલ ડિટેકટર સહિતના ધારા ધોરણ બાદ જ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. ડાન્સ પાર્ટી માટે હોટલ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ કે ક્લબના સંચાલકો ડીજેનું એડવાન્સ બુકીંગ કરાવતા હોય છે. પરંતુ હજુ સુધી એક પણ ડીજેને અમદાવાદમાં ડાન્સ પાર્ટી યોજવા માટે એડવાન્સ બુકિંગ મળ્યંુ નથી. જેથી આ તમામ આયોજકોનું એવું કહેવું છે કે ચાલુ વર્ષે પણ ડાન્સ પાર્ટીઓ નહીં જ યોજાય.