ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સવા વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખુયે મંત્રી મંડળ બદલી નાંખ્યું છે. અને નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળ્યા બાદ મંત્રી મંડળની રચના કરી છે, જેમાં તમામ નવા ચહેરાને પસંદ કરવામાં આવ્યા છે. જોકે ભાજપના હાઈકમાન્ડનો આ પ્રયોગ કેટલો સફળ રહેશે તે તો સમય જ કહેશે. પરંતુ એ પણ હકિક્ત છે. કે, મુખ્યમંત્રી અને તેમના સાથી મંત્રીઓએ ભાજપને પુનઃ સત્તા અપાવવા માટે મહેનત કરવી પડશે. નવા મુખ્યમંત્રી અને મંત્રીઓની છબી ચમકાવવા માટે રાજ્ય સરકાર એક મેગા ડ્રાઈવનું આયોજન કરી રહી છે. આ મેગા ડ્રાઈવ દ્વારા વધુમાં વધુ લોકો સુધી પહોંચવા માટે એક નવા જ પબ્લિસિટી કેમ્પેઇનની શરૂઆત કરવામાં આવશે. નવનિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી સપ્તાહમાં આ માટે કેમ્પેઇનની શરૂઆત કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને હાઈલાઈટ કરતા પબ્લિસિટી મટિરિયલ અને કેમ્પેઈન પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો હતો. હવે ભૂપેન્દ્ર પટેલની પબ્લિક ઈમેજ સરાહનિય બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. નવી પબ્લિસિટી યોજના માટે રાજ્યના તમામ હોર્ડિંગ્સ, તમામ યોજનાઓનું પબ્લિસિટી મટીરિયલ, તમામ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીર, કલેન્ડર્સ અને એસટી બસો પરના પોસ્ટર સહિત તમામ વસ્તુઓ બદલવી પડશે. એટલુ જ નહીં પણ સરકારે કરેલા લોંગ ટર્મ પબ્લિસિટી કોન્ટ્રાકટને પણ રિવાઇઝ કરવા પાછળ ખર્ચેા કરવો પડશે જેમાં નવા સીએમનો ફોટો એડ કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, નવા મુખ્યંત્રીને પ્રમોટ કરવા માટેના નવા કેમ્પેઇનને તૈયાર કરવામાં અને તેના અંદાજીત ખર્ચ અંગેનો કયાસ મેળવવામાં હજુ બીજા કેટલાક દિવસોનો સમય લાગી શકે છે. જોકે આગામી વર્ષે આવાનારી ચૂંટણીને ધ્યાન રાખીને આ કેમ્પેઇન ખૂબ જ તીવ્ર અસરકારક બને તે ઢબે તૈયાર કરવામાં આવશે. આગામી બે–ત્રણ દિવસોમાં મુખ્યમંત્રી જમીનસ્તરે લોકો સાથે સંવાદ સાધવા માટે નવો પ્રોગ્રામ લોન્ચ કરી શકે છે. આડકતરી રીતે આ નવી સરકારના બ્રાન્ડિંગ માટેનું લક્ષ્ય ધરાવતો હશે. તેમજ જે યોજના લોકો સાથે વધુને વધુ માત્રામાં જોડાયેલી છે તે યોજનાનું પણ નામ બદલીને નવા સ્વપે રજૂ કરવામાં આવશે. આગામી બે સપ્તાહમાં કેટલાક નવા કેમ્પેઇન શરૂ કરવામાં આવશે. જેને ખર્ચ સપ્લિમેન્ટરી બજેટ તરીકે જોડવામાં આવશે.