લખનૌઃ ઉત્તરપ્રદેશના મથુરામાં રેલવે સ્ટેશન ઉપર ટ્રેન દૂર્ઘટના સર્જાઈ હતી. મથુરા જંકશન ઉપર આવેલી એક ટ્રેન મુસાફરોને ઉતારવા માટે ધીમી પડી હતી. જો કે, ગણતરીની સેકન્ડમાં જ અચાનક ફરીથી ચાલુ થઈને ઈએમયુ પ્લેટફોર્મ નંબર બે ઉપર ચડી ગઈ હતી. જેથી પ્રસાવીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે મોટી દૂર્ઘટના સર્જાઈ ન હતી. આરપીએફની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાઝીયાબાદથી નીકળેલી ટ્રેન મથુરા જંકશન પર પહોંચી હતી અને ઈએમયુ પ્લેટફોર્મ નંબર 2 રોકાઈ હતી. જો કે, થોડી સેકન્ડ રોકાયા બાદ ટ્રેન અચાનક દોડવા લાગી હતી અને પ્લેટફોર્મને તોડીને ઉપર ચડી ગઈ હતી. બનાસ સમયે પ્લેટફોર્મ ઉપર આંગડીને વેઢે ગણી શકાય તેટલા જ પ્રવાસી હતા. તેમજ અચાનક ટ્રેન દોડવા લાગતા પ્રવાસીઓ પણ જીવ બચાવીને બાગ્યાં હતા. દરમિયાન ટ્રેન સામેના ઓએચઆઈ લાઈનના એક થાંભલા સાથે અથડાઈને રોકાઈ ગઈ હતી.
દૂર્ઘટનાને પગલે મથુરા-દિલ્હી વચ્ચેનો રેલ વ્યવહાર અટકાવ્યો હતો. માલવા સુપરફાસ્ટ, અમૃતસર-બાંદ્રા ટર્મિનસ સહિત કેટલીક ટ્રેનોને દિલ્હી તરફ રોકી દેવામાં આવી હતી. આ બનાવની જાણ થતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. રિપોર્ટ અનુસાર ચાલકે ટ્રેનની બ્રેકને બદલે એક્સિલેટર દબાવતા આ દૂર્ઘટના સર્જાયાનું મનાઈ રહ્યું છે. જો કે, રેલવે વિભાગ દ્વારા અકસ્માતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાશે.