Site icon Revoi.in

ગુજરાતમાં તમામ એસટી બસોમાં હવે પ્રવાસીઓ FM ચેનલ દ્વારા મનોરંજન માણી શકશે

Social Share

અમદાવાદઃ ગુજરાત એસ.ટી નિગમ દ્વારા એસટી બસોમાં પ્રવાસીઓને મનોરંજન મળી રહે તે માટે એફએમ ચેનલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના વિશાળ જનસમુહ સુધી પહોંચવા એક નવતર પ્રયોગ સ્વરૂપે ગુજરાત સરકારે એસટી બસોમાં પોતાની એફએમ ચેનલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ એફએમ ચેનલના માધ્યમથી સરકારની વિવિધ જનતાલક્ષી યોજનાઓની માહિતી રાજયની પ્રજા સુધી પહોંચાડવામાં આવશે. એટલે કે પ્રવાસીઓને મનોરંજનની સાથે અન્ય સરકારી યોજનાની માહિતી પણ મળી રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એસટી નિગમ દ્વારા તમામ એસ.ટી બસોમાં પ્રવાસીઓ માટે એફએમ ચેનલ શરૂ કરવામાં આવશે. આ એક મનોરંજન ચેનલ હશે તેમ છતાં તેના પ્રસારણમાં સૌથી વધુ ભાર સરકારી યોજનાઓના પ્રચાર પ્રસાર ઉપર આપવામાં આવશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીના કહેવા મુજબ હાલ ખાનગી એફએમ ચેનલનો ઉપયોગ કરવામાં  લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. કારણ કે, આ ચેનલો જાહેરાત માટે ખૂબ મોટો ચાર્જ કરે છે, પરંતુ હવે સરકાર પોતાની માલિકીની જ ચેનલ શરૂ કરી રહી હોઈ તે પોતાની યોજનાઓનો સારી રીતે પ્રચાર પ્રસાર કરી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હાલ સમગ્ર ગુજરાતમાં અંદાજે 25 લાખ લોકો એસટી બસોમાં મુસાફરી કરે છે અને દરરોજ 8000 બસ રોડ ઉપર દોડે છે તેથી વિશાળ જનસમુહ સુધી પહોંચવા માટે આ માધ્યમ સૌથી વધુ અસરકારક બની રહેશે. રાજય સરકાર દ્વારા  ઘણી યોજનાઓ ચાલી રહી છે. જેમાં મા અમૃતમ યોજના, ફસલ બીમા યોજના, શૈક્ષણિક યોજનાઓનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા શરૂ થનારી આ એફએમ ચેનલની મદદથી ખૂબ મોટી સંખ્યામાં લોકો સરકારી યોજનાઓની માહિતી મેળવી શકશે ને તેનો લાભ ઉઠાવી શકાશે.  હાલ રાજય સરકાર એસટી બસો ઉપર મોટા મોટા બોર્ડ ચોંટાડીને પોતાની યોજનાનો પ્રચાર કરે છે. જો કે બસમાં મુસાફરો સુધી સરળતાથી પહોંચવા રેડીયોનો ઉપયોગ કરશે.