- ભારત અને પાકિસ્તાનના શ્રદ્ધાળુંઓની વાત
- ધાર્મિક કારણોસર કરી શકશે પ્લેનમાં મુસાફરી
- આઝાદી પછી પહેલી વાર આવું થયું
દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે હંમેશા કોઈને કોઈ વિવાદ તો ચાલતો જ રહેતો હોય છે. પાકિસ્તાન દ્વારા હંમેશા એવું કાંઈક કરવામાં આવતું હોય છે જેને કારણે ભારતે કડક વલણ દાખવવું પડે છે પણ બંન્ને દેશો વચ્ચે આજે પણ કેટલાક મુદ્દા એવા છે જેના પર બંન્ને દેશોનું વલણ નરમ છે. એવામાં એક છે ધાર્મિક કારણોસર ભારતથી પાકિસ્તાન જતા અને પાકિસ્તાનથી ભારત આવતા શ્રદ્ધાળુંઓ.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિવહન માટે હજુ પણ એર કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી. સમજૌતા એક્સપ્રેસ ટ્રેન ભારત તરફ દિલ્હીથી અટારી અને પાકિસ્તાન બાજુ લાહોરથી વાઘા સુધી ચાલે છે. 1974ના ભારત-પાકિસ્તાન પ્રોટોકોલ ઓન વિઝિટ ટુ રિલિજિયસ પ્લેસિસ મિકેનિઝમ હેઠળ, ભારતમાંથી મોટી સંખ્યામાં શીખ યાત્રાળુઓ પાકિસ્તાનમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. એ જ રીતે પાકિસ્તાની નાગરિકો પણ ભારતમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા આવે છે.
જાન્યુઆરીની શરૂઆતમાં ભારતીય તીર્થયાત્રીઓ હવાઈ માર્ગે પાકિસ્તાન પહોંચ્યા પછી, પાકિસ્તાની પ્રવાસીઓ પણ 75 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સની વિશેષ ફ્લાઇટમાં 29 જાન્યુઆરીએ ભારત પહોંચશે. અત્યાર સુધી તીર્થયાત્રીઓ અથવા પ્રવાસીઓ પગપાળા અથવા સમજૌતા એક્સપ્રેસ દ્વારા એકબીજાના દેશોમાં જતા હતા.
નેશનલ એસેમ્બલી સભ્ય અને પાકિસ્તાન હિંદુ પરિષદના પ્રમુખ રમેશ કુમારના જણાવ્યા અનુસાર, બંને પાડોશી દેશો વચ્ચે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે PIA અને એર ઈન્ડિયા વચ્ચે સમજૂતી થઈ હતી.
કરાર મુજબ, બંને એરલાઇન્સ આ સંદર્ભે વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. પાકિસ્તાની પ્રવાસીઓનું એક જૂથ 29 જાન્યુઆરીએ લાહોર એરપોર્ટથી રવાના થશે અને 1 ફેબ્રુઆરીએ પાકિસ્તાન પરત ફરશે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, જૂથ અજમેર શરીફ, જયપુર, આગ્રા, મથુરા, અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ અને દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયા દરગાહની મુલાકાત લેશે.