અમદાવાદઃ શહેરમાં આજે 144મી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રા વચ્ચે શહેરમાં જ્યાંથી રથ પસાર થવાના છે ત્યાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ટ્રેનમાં આવેલા મુસાફરો અટવાઈ ના પડે તે માટે કાલુપુર સ્ટેશને આવતા મુસાફરોની મદદને પોલીસ આવી હતી. જેમાં મુસાફરો અમદાવાદમાં આવીને કર્ફ્યૂના કારણે અટવાઈ ના જાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસ દ્વારા મુસાફરોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પર પહોંચેલા મુસાફરો માટે પોલીસકર્મીઓ માટે ઉપયોગમાં લેવાતી બસ દ્વારા મુસાફરોને મદદ કરીને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. પોલીસના આ અભિગમથી મુસાફરોએ પણ પોલીસની કામગીરાને બિરદાવી હતી.
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની ભીતીને ધ્યાનમાં રાખીને ભક્તો વગર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવામાં પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પહોંચેલા મુસાફરોની મદદ કરતા પોલીસ અને નાગરિકો વચ્ચેનું જે અંતર હોય તેને ઘટાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. અહીં પોલીસ પ્રજાની મિત્ર બનીને મદદ માટે આગળ આવી હતી.મહત્વનું છે કે, રથયાત્રા કાલુપુર રેલવે સ્ટેશન થઈને નીકળી હતી.ત્યારે અહીં પણ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો હતો.
કરફ્યુના અમલ દરમિયાન રેલવે સ્ટેસન પર મુસાફરો અટવાઈ પડ્યા હતા અને પોતાના ઘરે કેવી રીતે જવું તે અંગે વિચારવા લાગ્યા હતા દરમિયાન પોલીસ કમિશનરના આદેશથી તમામ મુસાફરોને શહેરમાં કોઈપણ સ્થળે જવા માટે વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલવે સ્ટેશન પર માઈક દ્વારા જોહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પાલીસની બસમાં મુસાફરોને બેસાડીને તેમને શહેરના જે વિસ્તારમાં જવું હોય ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવીહતી.
મહત્વનું છે કે, અમદાવાદમાં આજના દિવસે 144મી રથયાત્રા યોજાઈ રહી હતી. ભગવાનના રથ નગરચર્યા બાદ નિજ મંદિર તરફ પરત ફર્યા હતા. પાછલા વર્ષે પહેલીવાર અમદાવાદના ઈતિહાસમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને રથયાત્રા યોજવાનું ટાળવામાં આવ્યું હતું. જોકે, આ વર્ષે લોકોની ધાર્મિક આસ્થા અને લાગણીને ધ્યાનમાં રાખીને ભગવાનની રથયાત્રા યોજવામાં આવી પરંતુ લોકોની ભીડ ના થાય તેને ધ્યાનમાં રાખીને નિશ્ચિત સંખ્યામાં લોકોને સાથે રાખીને રથયાત્રા યોજવામાં આવી હતી.