અમદાવાદઃ બ્રિટેનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાના વિવિધ દેશોમાં ભય ફેલાયો છે. દરમિયાન ભારત સરકાર દ્વારા બ્રિટેન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આજે બ્રિટેનથી અમદાવાદ આવતી ફ્લાઈટના મુસાફરોનો એરપોર્ટ ઉપર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બ્રિટિશ નાગરિક સહિત પાંચ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટેનથી આવતી અને જતી ફ્લાઈટ ઉપર રાતથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, તે પહેલા બ્રિટેનથી ભારતના મુસાફરોને લઈને નીકળેલી ફ્લાઈટ આજે અમદાવાદ આવી પહોંચશે. બીજી તરફ બ્રિટેનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભય ફેલાયો છે. જેથી આ ફ્લાઇટમાં બ્રિટનથી અમદાવાદ આવી રહેલા તમામ મુસાફરોનો એરપોર્ટ ઉપર જ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમર્સ ચેઇન રીએક્શન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
બ્રિટેનથી ફ્લાઈટમાં આવેલા મુસાફરોના કરાયેલા ટેસ્ટમાં પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. જે પૈકી એકને એસવીપી હોસ્પિટલમાં અને ચાર દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.