અમદાવાદઃ ભાવનગરથી અમદાવાદ આવી રહેલી એસટીની વોલ્વો બસમાં અધવચ્ચે ડીઝલ ખૂટી જતાં પ્રવાસીઓને બે કલાક સુધી પરેશાન થવું પડ્યું હતું. તંત્રની મદદ ન મળ્યા બાદ બસના ડ્રાઈવરે નજીકના પેટ્રોલપંપ પરથી પાંચ લીટર ડીઝલ કેરબામાં લાવીને પૂર્યા બાદ વોલ્વો બસ અમદાવાદ રવાના થઈ હતી.
ગુજરાતમાં એસટી બસમાં છેલ્લા મહિનાઓથી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓ પણ ખાનગી લકઝરી બસ કરતા હવે એસટીની વોલ્વો બસમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારે એસટી બસ સલામત સવારી અને સમયસર અને સુરક્ષિત સવારીના ગાણા ભલે ગાતા હોય પણ વાસ્તવિકતા શું છે તે ફરી એક વખત પુરવાર થાય તેવી ઘટના નોંધાઇ હતી. ભાવનગરથી અમદાવાદ આવતી એસટીની વોલ્વો બસમાં ડિઝલ ખાલી થઇ જતાં 45 પ્રવાસીઓ 2 કલાક રઝળ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગરથી સાંજે 4 કલાકે અમદાવાદ જવા એસટીની વોલ્વો બસ નીકળી હતી.ભાવનગરથી ઉપડીને સાંજે 5.15 કલાકની આસપાસ બસ લગભગ 60 કિલોમીટર દૂર હાઇવે પરની સહયોગ હોટલ નજીક પહોંચી ત્યારે બસમાં ડિઝલ પુરૂ થઇ ગયું. સવા 2 કલાક સુધી 45 મુસાફરો રઝળ્યા હતા . આ સમયગાળા દરમિયાન તંત્રની કોઇ મદદ ન મળતા આખરે ડ્રાઇવરે પોતે નજીકમાં આવેલા પેટ્રોલ પંપે જઇને કેરબામાં 5 લિટર જેટલું ડિઝલ લાવી સાંજે 7 કલાકે બસ ચાલુ કરી હતી. ત્યાં સુધી એસટીનું તંત્ર તો તદ્દન નિદ્રાધીન જ રહ્યું હતુ. આ અંગે વોલ્વોના અમદાવાદ ખાતેના ડેપો મેનેજરે જણાવ્યું હતુ કે ડિઝલનો પ્રશ્ન ઉદભવ્યો હતો અને આ ઘટનાના જવાબદાર સામે તપાસ કરીને પગલા લેવાશે. જ્યારે બસના ડ્રાઈવરના કહેવા મુજબ વોલ્વો બસનું ડિઝલની સ્થિતિ દર્શાવતું ઇન્ડીકેટરમાં ખામી હતી બસમાં ડિઝલ પુરૂ થયું ત્યારે ડ્રાઇવરે તપાસ કરતાં ઇન્ડીકેટરમાં ખામી હોવાનું જાણવા મળ્યું હતું. (file photo)