Site icon Revoi.in

અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરાયેલી ફલાઈટના પાઈલોટની ડ્યુટી પૂર્ણ થતા પ્રવાસીઓ અટવાયા

Social Share

અમદાવાદઃ મુંબઈમાં વિરામ બાદ ફરી વરસાદ પડતા એરપોર્ટના રનવે પર વિઝિબિલિટી ઘટી જતા ફ્લાઈટને લેન્ડિંગ માટે મુશ્કેલી ઊભી થતાં એર ઇન્ડિયાની જામનગર-મુંબઈ ફ્લાઈટ અમદાવાદ ડાઈવર્ટ કરવામાં આવી હતી.  અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ ડાયવર્ટ કરાયા બાદ  મુંબઈથી ગ્રીન સિગ્નલ મળે તેની પ્રવાસીઓ રાહ જોઈ રહ્યા હતા ત્યારે એર ઈન્ડિયાના પાયલોટની ડ્યૂટીના કલાકો પૂરા થઈ જતાં તે ફ્લાઇટ મૂકીને જતો રહ્યો હતો આમ ફ્લાઇટમાં સવાર 146 પેસેન્જરો અમદાવાદ એરપોર્ટ પર અટવાઈ પડતા ભારે હોબાળો મચાવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરથી મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટના પાયલોટે બે વખત લેન્ડિંગ એટમ એટેમ્પ કર્યા હતા પરંતુ તેને સફળતા ન મળતા ફ્લાઈટને અમદાવાદ ડાઈવર્ટ કરાઈ હતી. પ્રવાસીઓ લોંન્જમાં ફ્લાઈટ ઉપડવાની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન પાઈલટની ડ્યૂટી પૂરી થઈ જતાં ફ્લાઈટ ટેકઓફ કરવાનો ઇન્કાર કરી દીધો હતો આમ ગ્રાઉન્ડ સ્ટાફના કર્મચારી-પેસેન્જરો વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન કેટલાક પેસેન્જરો રાહ જોયા વિના બાય રોડ મુંબઈ જવા રવાના થયા હતા. કેટલાક પ્રવાસીઓ કનેક્ટિંગ ફલાઈટ પકડવાની હોવાથી મુશ્કેલીમાં મુકાયા હતા. અને એર ઈન્ડિયાના કાઉન્ટર પર રજુઆત કરી હતી,

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, વરસાદી વાતાવરણને કારણે મુંબઈ જતી 5 ફ્લાઇટ રદ કરાઈ હતી. જ્યારે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સહિતની 14 ફ્લાઈટો બેથી અઢી કલાક મોડી પડતા પેસેન્જરો હાલાકીમાં મુકાયા હતા જેમાં સૌથી વધુ ઇન્ડિગોની દિલ્હી બેંગ્લુરુ ચેન્નઈ જેદ્દાહની ફ્લાઈટનો સમાવેશ થાય છે.