નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં પરિવહન માટે મોટાભાગના લોકો ટ્રેનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તથા અન્ય સ્થળે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યાં છે. જો કે, હવે ટ્રેનની મુસાફરી દરમિયાન પ્રવાસીઓ પ્રાદેશિક વાનગીઓનો સ્વાદ માંણી શકશે. આ માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, રેલવે મંત્રાલયે ટ્રેનમાં અપાતા ભોજનમાં સ્થાનિક અને પ્રાદેશિક વાનગીઓનો સમાવેશ કરવાની IRCTC ને મંજૂરી આપી છે. આ નિર્ણય મુજબ ડાયાબીટીસના દર્દીઓ, બાળકો અને તંદુરસ્તી માટે જાગૃત ગ્રાહકોને તેમની પ્રાથમિકતા અને રુચિ મુજબ વાનગીઓ મળી શકે તેવી વ્યવસ્થા કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યું છે કે, જે રેલવે ટ્રેનોમાં ભોજનનો ચાર્જ ટિકીટ સાથે લેવામાં આવે છ, એવી ટ્રેનોમાં IRCTC વાનગીઓ અંગે નિર્ણય લેશે. IRCTCએ અન્ય એક્સપ્રેસ ગાડીઓ માટે સ્ટાન્ડર્ડ ભોજન જેવા ઓછી કિંમતના ખાદ્ય પદાર્થો વિશે નિર્ણય કરશે. જનતા ભોજનના મેનૂ અને કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે.