પાટણઃ શહેરમાં ઐતિહાસિક ગણાતા ઘણા સ્થળો આવેલા છે. જેમાં શહેરમાં પ્રવેશવા માટે પ્રાચીન સમયનાં અને હાલમાં એક સ્મારક તરીકે સચવાઇ રહેલા “ખાનસરોવર” દરવાજા જેવા કલાત્મક દરવાજાનું આખરે કેન્દ્રિય પૂરાતત્વ વિભાગ દ્વારા કરોડોનાં ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું છે. શહેરના ખાનસરોવર દરવાજાનું 2001નાં ભૂંકપમાં કેટલેક અંશે નુકશાન થયું હતું. આ દરવાજાનાં પ્રવેશ દ્વારની બંને તરફનાં ‘ગવાક્ષ’ ઝરૂખાઓની વચ્ચેનાં ભાગની ત્રણ કમાનોની કોતરણી યુક્ત સુંદર અને સ્થાપત્યનાં નમૂના સમી ડિઝાઇનનાં ભાગોમાં પત્થરો તૂટી પડ્યા હતા. વર્ષો બાદ હવે ખાનસરોવરના દરવાજાનું મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ શહેર ઐતિહાસિક છે. નગરમાં ઘણાબધા શિલ્પ સ્થાપત્યો આવેલા છે. ખાન દરવાજાની કોતરણી બેનમુન છે. અને ઇતિહાસનું અને સંસ્કૃતિનું અભિન્ન અંગ હોવાથી તેની જાળવણી કરવી ખૂબ જ મહત્વની છે. આ સ્થાપત્યનાં સંરક્ષણની જવાબદારી કેન્દ્ર સરકારનાં પૂરાતત્વ વિભાગ પાસે છે. જેથી તેમણે આ સ્મારકનાં પુનોધ્ધાર કરી તેને મૂળ સ્થિતિમાં લાવવા માટે કરોડો રૂપિયાનાં ખર્ચે છેલ્લા 15 દિવસથી રિનોવેશનની કામગીરી હાથ ધરી છે. અત્યારે 15 જેટલા સ્થાપત્ય કલાકારીગરોએ કામગીરી શરૂ કરી છે. નવા લાલ નુકશાનગ્રસ્ત ભાગમાં પુનઃ સ્થાપિત કરવાની સાથે તિરાડો પૂરવાનું કામ પણ ચાલી રહ્યું છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, પાટણમાં 2001ના ભૂકંપમાં ખાન સરોવર દરવાજાનાં પ્રવેશદ્વારની ત્રણ કમાનોની પત્થરોની ડિઝાઇનને ખાસુ નુકશાન થયું હતું. જેના ટુકડા અહીં સાચવી રખાયા છે. તે આધારે નવા કોતરણી કરેલા ટુકડા તેનાં સ્થાને જોડવામાં આવશે. જો કે, અત્યારે આ દરવાજાની ત્રણ – મુખ્ય કમાનો પૈકી વચ્ચેની કમાનનાં લાકડાનાં જુના દરવાજાને બદલીને લાકડાનાં એ જ પ્રકારના દરવાજા નાંખવામાં આવ્યા છે. હાલમાં ત્રણ કલાત્મક કમાનોનું અને તેની આસપાસની નુકશાનગ્રસ્ત ભીંતો દિવાલોની તિરાડોનું સમારકામ કરાશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, આ ખાનસરોવર દરવાજો કેન્દ્રિય પૂરાતત્વ વિભાગ હસ્તક છે. અને તે સંરક્ષિત સ્મારક છે. આ સ્મારક પ્રાચિન સ્મારક અને પૂરાતત્વિય સ્થળ અને અવશેષ અધિનિયમ 1958 (1958 થી 24) અંતર્ગત રાષ્ટ્રીય મહત્વનો ઘોષિત કરાયો છે. આ સ્મારકને કોઇપણ પ્રકારની ક્ષતિ કે નુકશાન કરનારાને અથવા દુરૂપયોગ કરનારને આ અપકૃત્ય માટે ત્રણ મહિનાની કેદ અથવા રૂા. 5000નો દંડ અથવા બંને સજા કરી શકાય તેવી જોગવાઇ છે. તથા ઉપરોક્ત અધિનિયમ 1959નાં નિયમ 32 અંતર્ગત તથા 1992માં સુધારલા નિયમ પ્રમાણે સંરક્ષિત સીમામાં 100 મીટર સુધીનાં વિસ્તારમાં અને તેની આગળ 200 મીટર સુધીનાં વિસ્તારમાં ખોદકામ તથા નવનિર્માણ માટે ક્રમશઃ પ્રતિબંધિત અને વિનિયમિત જાહેર કરાયેલો છે.