સુરેન્દ્રનગરઃ પાટડીમાં ગુજરાત એસટી નિગમ દ્વારા લાખોના ખર્ચે એસટી બસ સ્ટેન્ડ બનાવ્યું છે. જે જાળવણીના અભાવે બિસ્માર બનતુ જાય છે. એસટી બસ સ્ટેશનમાં પ્રવાસીઓ માટેની કોઈ સુવિધા નથી.એટલું જ નહીં બસ સ્ટેન્ડમાં રખડતા ઢોર ટોળેવળીને બેઠા હોય છે. તેના લીધે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. બસસ્ટેન્ડમાં અનેક અસુવિધાને મામલે સત્તાધિશોને અનેકવાર રજુઆતો કરવામાં આવી હોવા છતાં પ્રશ્નો ઉકેલાતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ પાટડીમાં લાખોને ખર્ચે બનાવેલું એસટી બસ સ્ટેશન જાળવણીના અભાવે ખંડેર બનતુ જાય છે. એસટી બસ સ્ટેન્ડ પર શૌચાલય નામ માત્ર રહેવા પામ્યું છે. બસ સ્ટોપના શૌચાલયમાં પાણી નથી, બારણાઓ પણ અદ્શ્ય થયા છે. જેના કારણે મહિલા મુસાફરો, વિદ્યાર્થિનીઓ સહિતના મુસાફરો હાલાકી વેઠી રહ્યા છે. એટલું જ નહીં એસટી તંત્રમાં ફરજ બજાવતા મહિલા કંડક્ટર, ડ્રાઈવર પણ શૌચાલયના અભાવે ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા છે. બસ સ્ટેન્ડના ગ્રાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય અને આરસીસી રોડનો અભાવ હોવાથી અવારનવાર ગંદકીના સામ્રાજ્યમાં વધારો થાય છે. તો બીજી તરફ બસ સ્ટેન્ડમાં રખડતા ઢોરના પણ અડિંગા જોવા મળી રહ્યા છે.
આ બાબતે વિરમગામ ડેપો મેનેજરને પૂછતા, ટૂંક સમયમાં રિનોવેશન કરાવીશું તેમ જણાવ્યું હતુ. રિનોવેશનના અભાવે એસટી બસ સ્ટેશન ખંડેર બની રહ્યું છે. અને સરકારના લાખો રૂપિયા એળે જતા હોય તેવો મુસાફરોમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યોં છે. પાટડી નગરપાલિકા પ્રમુખ મૌલેશ પરીખ દ્વારા એસટી બસ સ્ટેશનમાં શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ, અમદાવાદ વિભાગીય કચેરીને 02-જુલાઈના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.પણ મહિનાઓ બાદ પણ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. વહેલી તકે બસ સ્ટોપ પર પીવાના પાણી અને શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે તેવી મુસાફરોમાં માંગ ઉઠવા પામી છે.