Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટિદારોનું ખોડલધામમાં શક્તિ પ્રદર્શન યોજાશે,

Social Share

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ-ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે 9મી ઓક્ટોબરે કાગવડ ખોડલધામમાં પાટિદારોની મહાસભા યોજીને શક્તિ પ્રદર્શન કરાશે, વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષ પાટિદારોને વધુ ટિકિટ આપે તેવી માગણી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી રવિવારે ખોડલધામ ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાશે, જેમાં પાટિદારોના મહા સંમેલનને સફળ બનાવવાના સંદર્ભમાં ચર્ચા કરાશે,

સૂત્રોના જણાવ્યા મુજબ ખોડલધામ પાટોત્સવમાં મોકૂફ રાખવામાં આવેલી મહાસભા 9 ઓક્ટોબરે શરદ પૂનમના દિવસે યોજાશે તેવી જાહેરાત ખોડલધામ દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી હોય ત્યારે લેઉવા પટેલ સમાજ ખોડલધામની છત હેઠળ એકત્ર થઈ શક્તિ પ્રદર્શન કરશે. આ અંગે નરેશ પટેલ આગામી રવિવારે ખોડલધામમાં બેઠક યોજશે. મહાસભાના આયોજન અને કામગીરી અંગે સમગ્ર ટ્રસ્ટી મંડળને આ બેઠકમાં હાજર રહેવા જણાવાયું છે.

કાગવડના ખોડલધામ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી શરદ પૂનમે  ખોડલધામ કાગવડ ખાતે એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ એકત્રિત થવાના હોય મહાસભાના આયોજન અને કામગીરી માટેની એક મિટિંગ નરેશ પટેલના અધ્યક્ષસ્થાને 28 ઓગસ્ટને રવિવારે સવારે 10થી 12 વાગ્યા સુધી રાખવામાં આવી છે. આથી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,  સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશન અને  લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન, વેરાવળ-સોમનાથના તમામ ટ્રસ્ટીઓ, દાતાઓને હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત સમાજની સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના આગેવાનો, શહેર, વોર્ડ, સોસાયટીના કન્વીનરો-સહકન્વીનરો, ગુજરાતના તમામ જિલ્લાના કન્વીનરો-સહકન્વીનરો, તાલુકા કન્વીનરો-સહકન્વીનરો, દરેક ગ્રામ્ય કન્વીનરો-સહકન્વીનરોએ પણ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમજ ખોડલધામની વિવિધ સમિતિઓના કન્વીનરો અને સહકન્વીનરો, ખોડલધામ નવરાત્રિ મહોત્સવના આયોજકો, સમાજના સોશિયલ ગ્રુપના હોદ્દેદારો, KDVSના બધા મિત્રો, વ્યાપારિક અને ઔદ્યોગિક ક્ષેત્રના વિવિધ અસોસિએશન અને સંગઠનના હોદ્દેદારો, પરિવારના તમામ પ્રમુખોએ હાજર રહેવા આમંત્રણ આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ખોડલધામ મંદિરનાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ લેઉવા પટેલ સમાજની આ મહાસભા યોજાવાની હતી. જોકે તત્કાલિન સમયે કોરોનાનું સંક્રમણ વધુ હોવાથી મોટી સંખ્યામાં લોકો એકઠા થાય અને સંક્રમણ વધે નહીં તેવા કારણોસર મહાસભા મોકૂફ રાખવામાં આવી હતી. હવે શરદ પૂર્ણિમાંના દિને આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ તે પહેલાં સૌરાષ્ટ્રભરમાં મહત્વ ધરાવતા લેઉવા પાટીદાર સમાજની મહાસભાનું આ અયોજન કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.