નવી દિલ્હીઃ કોરોના મહામારીના પગલે અન્ય બીમારીથી પીડિતા દર્દીઓની સારવારને વ્યાપક અસર પડી છે. કોરોનાથી ભયભીત લગભગ 90 ટકા દર્દીઓએ અન્ય બીમારીની સારવાર માટે જવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં 80 ટકા દર્દીઓના ઓપરેશન પણ થયા નહીં હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
દેશની જાણીતી હોસ્પિટલ દ્વારા 6,77,237 દર્દીનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર ઓપીડીમાં 89.2 ટકાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં નવા અને ફોલોઅપ સારવારના કેસમાં 57.67 ટકાનો ઘટાડો આવ્યો. આ ઉપરાંત કોરોનાને કારણે 80.75 ટકા સર્જરી થઇ નથી.
સ્ટડી કરનાર ડોક્ટર રાજૂ વૈશ્ય એ કહ્યુ કે દર્દીઓ અત્યાર સુધી સારવારથી વંચિત છે, હવે તેમની સારવારમાં વિલંબ થવો જોઇએ નહીં, તેમને જલ્દીથી જલદી સારવારની જરૂર છે. કોરોના મહામારીને પગલે નોન કોવિડ દર્દીઓની સારવારમાં મોટી મુશ્કેલીઓ આવી છે. તેમને ઘણી વાર સારવાર મળી શકી નથી ને ઘણી વખત તો કોવિડના લીધે તેઓ પોતે સારવાર માટે પહોંચી શક્યા નથી.
સર્વેમાં સામેલ કરાયેલા દર્દીઓ પૈકી 5,99,281 ઓપીડી દર્દી હતા જ્યારે 77,956 હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી હતા. કોરોનાને પગલે બેરિએટ્રિક સર્જરીમાં સૌથી વધારે 87.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં આંખની સર્જરીની સંખ્યામાં પણ 65.45 ટકા ઘટાડો જોવા મળ્યાં હતા. તેમજ ન્યુરો સર્જરીની સંખ્યામાં 32.28 ટકાનો ઘટાડો આવ્યો છે.