HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેકશન અપાશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધતા રેમડેસિવિર ઈન્જેકશનની માંગણી ઉઠી છે. લોકો ઈન્જેકશન લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા. ઈન્જેકશનની અછતને લઈને દર્દીઓના પરિવારજનોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જેથી સરકાર દ્વારા કેટલાક કટક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઉપરાંત RTPCR ટેસ્ટ સહિતના કાગળો બતાવ્યા બાદ ઈન્જેકશન આપવામાં આવતું હતું. જો કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેકશન આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં આરટીપીસીઆરના ટેસ્ટ માટે 45 સરકારી અને 52 ખાનગી લેબને માન્યતા આપવામાં આવી છે. દરમિયાન સરકારે રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા અરજીની સાથે આરટી-પીસીઆરનો પોઝિટીવ રિપોર્ટ ફરજિયાત જોડવાનો આદેશ કર્યો હતો. આ પ્રક્રિયામાં હવે એચઆરસીટી અને એન્ટીજન ટેસ્ટને પણ ઉમેરવામાં આવ્યા છે.
આરોગ્ય કમિશનરેટમાં અધિક નિયામક ડો.દિનકર રાવલની સહીથી પ્રસિધ્ધ આદેશમાં કહેવાયુ છે કે, કોવિડ-19ની સારવાર લેતા દર્દીને આરટી-પીસીઆર પોઝિટીવ હોય તો જ રેમડેસિવિર ઈન્જેક્શન આપવા સંદર્ભે ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશને 10 એપ્રિલે સુચવેલી વ્યવસ્થામાં હવેથી દર્દીનો એચઆરસીટી પોઝિટીવ હોય તથા રેપીડ એન્ટીજન ટેસ્ટ પોઝિટીવ હોય તો પણ આ ઈન્જેક્શન આપવાના રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ દર્દીઓની સારવારમાં રેમડેસિવિર ઈન્જેકશનની માંગણી વધી હતી. લોકો ઈન્જેકશન લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા. જેથી પ્રજાની હાડમારી ઓછી થાય તે માટે સરકાર દ્વારા ઈન્જેકશનને લઈને મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે.