Site icon Revoi.in

ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને કોવિડ-19ની જેમ H3N2 વાયરસનું વધારે જોખમઃ AMC

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોવિડ-19ના કેસ વધવાની સાથે એચ3એન2 વાયરસના પણ શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં તાજેતરમાં જ વડોદરામાં એક મહિલાનું એચ3એન2 વાયરસની બીમારીમાં અવસાન થયું હતું. રાજ્યમાં એચ3એન2ની દસ્તકને પગલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ હોસ્પિટલો અને સ્થાનિક તંત્રોને જરુરી સુચના આપી છે. દરમિયાન તબીબોનું માનવુ છે કે, એચ3એન2 વાયરસ જોખમી નથી. પરંતુ કોવિડની જેમ જ બ્લડપ્રેશર અને ડાયબિટીસ જેવી ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને આ વાયરસથી વધારે જોખમ રહેલું છે. સરકાર અને તબીબો પણ પ્રજાને નવા વાયરસથી ડરવાને બદલે સાવધાની રાખવા માટે સતત અપીલ કરી રહી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ડબલ ઋતુમાં તાવ, શરદી સહિતના વાઈરપ ઈન્ફેક્શનના કેસમાં વધારો થાય છે. આ ઉપરાંત શહેરમાં કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં H3N2ના શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. કોવિડના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને કોવિડનું વધારે જોખમ રહે છે. તેવી જ રીતે આવી ગંભીર બીમારીથી પીડિત દર્દીઓને H3N2થી સૌથી વધારે જોખમ છે. જ્યારે H3N2 વાયરસ પીડિત દર્દીઓ યોગ્ય સારવારથી સાજા થઈ જાય છે. શહેરીજનો દ્વારા સાવધાની રાખવામાં આવે તો કોરોનાની જેમ H3N2 વાયરસના કેસથી બચી શકાય છે. H3N2 વાયરસથી શહેરીજનોએ ડરવાની જગ્યાએ સાવધાની રાખવાની જરૂરિયાત છે. કોવિડ અને H3N2 વાયરસના દર્દીઓની યોગ્ય સારવાર માટે મનપા દ્નારા આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગની કામગીરી પણ વધારવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોવિડની સાથે સાથે એચ3એન2 વાયરસે પણ માથુ ઉચક્યું છે. જેથી રાજ્યનું આરોગ્ય વિભાગ સક્રીય થયું છે. તેમજ સરકારે અધિકારીઓને જરુરી સુચના પણ આપી છે.