Site icon Revoi.in

સહકારી સંસ્થાઓમાં ભાજપના મેન્ડેટના અનાદર સામે પાટિલે કારોબારીની બેઠકમાં દુઃખ વ્યક્ત કર્યું

Social Share

બોટાદઃ યાત્રાધામ સાળંગપુરના અક્ષર પુરૂશોત્તમ મંદિરના ખંડમાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી. આ બેઠકમાં  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સંબોધનમાં સહકારી સંસ્થાની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર થયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના વિશે પાટીલે દુઃખ વ્યક્ત કર્યું. પાટીલે કહ્યું કે, આ મેન્ડેટ ભંગ થયાનું દરેક કાર્યકર્તાને અને ખુદ મને દુઃખ છે. તેમણે તમામ કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જવાની હાકલ કરતા જણાવ્યું હતું કે, સંભવિત રીતે દીવાળી બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે. આપણે લોકસભા ચૂંટણીમાં જે બૂથમાં માઈનસમાં ગયા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કસર પુરી કરવાની છે. સાથે જ લોકસભા પરિણામો અંગે તેમણે ટકોર કરતા કહ્યું કે, જે હોદ્દેદારોનું બુથ માઈનસ હોય તેમને કોઈ હોદ્દો ન આપવો જોઈએ. સાથે 2022માં જે ધારાસભ્યો જીત્યા તેમની સીટ 2024માં માઈનસમાં ગઈ, એ ધારાસભ્યએ પણ વિચારવું જોઈએ.  લોકસભા ચૂંટણીમાં કેટલાક કારણોથી આપણા માટે લીડના બદલે જીત મહત્વની બની ગઈ. જેથી કેટલીક સીટો આપણે ઓછા મતથી જીતી શક્યા છીએ.

સાળંગપુર ખાતે યોજાયેલી ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયેલ, માંડવિયા તથા પ્રદેશના હોદ્દેદારો, પદાધિકારીઓ, ધારાસભ્યો, સાસંદો અને આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનતા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ બેઠક અગાઉ એવી ચર્ચાઓ સેવાઈ રહી હતી કે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની જાહેરાત થઈ શકે છે. જોકે આ તમામ અટકળોનો આજે અંત આવ્યો છે કારણ કે કારોબારીમાં નવા પ્રદેશ અધ્યક્ષ અંગે કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી.

આ બેઠકના સંબેધન કરતા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ તરીકે મારા કાર્યકાળમાં  4 વર્ષમાં 20 દિવસ ઓછા છે, પણ આટલો સમય કામ કર્યું છે. હવે મને કેન્દ્રની જવાબદારી મળી છે અને અહીં કાર્યકાળ પૂરો થયો છે. આગામી સમયમાં નવા પ્રમુખ આવશે. મારા અધ્યક્ષસ્થાને આ છેલ્લી કારોબારી બેઠક છે. આગામી કારોબારી નવા પ્રમુખના અધ્યક્ષસ્થાને મળશે. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરશો. મારા કાર્યકાળ દરમિયાન કોઈને ટીકીટ મળી કોઈને ન મળી હું માફી માગું છું. જે હોદ્દેદારનું બુથ માઇનસ હોય તેને આપડે કોઈ હોદો ન આપવો જોઈએ. જે પોતાનું બુથ પ્લસ ન કરાવી શકે તેને કોઈ હોદો ન આપી શકાય. 2022 માં જે ધારાસભ્યો જીત્યા તેમની સીટ 2024 માં માઇનસ ગઈ છે. એ ધારાસભ્યોએ આ અંગે વિચારવું જોઈએ. કમસે કમ ધારાસભ્યોએ તેમના ભવિષ્ય માટે પણ વિચારવું જોઈએ. જ્યા માઇન્સ ગયા છીએ ત્યાં કઈ રીતે પ્લસ થઈ શકીએ તે અંગે મહેનત કરવાની છે. ક્ષત્રિય સમાજના વિરોધ છતાંય ક્ષત્રિય સમાજ આપણી પડખે રહ્યો, તે માટે હું ક્ષત્રિય સમાજનો  આભાર માનું છું.