નવી દિલ્હીઃ બિહારની રાજધાની પટનામાં સ્થિત પટણા યુનિવર્સિટીની હોસ્ટેલમાં પોલીસ છેલ્લા કેટલાક દિવસથી સતત તપાસ કરી રહી છે. પટેલ હોસ્ટેલમાં દરોડામાં ટીવી રૂમના હોલમાં છુપાવેલો મોતનો સમાન મળી રહ્યો હતો. પોલીસની તપાસમાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી મળતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના અંગે વિદ્યાર્થીઓની પૂછપરછ આરંભી છે. પોલીસે સમગ્ર વિસ્ફોટક સામગ્રી જપ્ત કરીને ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. વિસ્ફોટક સામગ્રી મળતા વિવિધ અટકળો વહેતી થઈ છે કે, શું વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીમાં કોઈ મોટો કાંડ થવાનો હતો, તેવા સવાલો પણ ઉભા થયાં છે.
પોલીસે હોસ્ટેલના રૂમમાં તિજોરીનું તાળા તોડીને અંદરથી બોમ્બ બનાવાની સમગ્રી જપ્ત કરી હતી. સ્ટીલના સાત ડબ્બા, બે ટેપ, તારથી લપેટેલા બે ડબ્બા, ડબ્બાની અંદર 550 ગ્રામ પીળા રંગનો વિસ્ફોટક જેવી વસ્તુ, 300 ગ્રામ સુતળી પણ મળી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારી બિમલેન્દુ કુમારએ કહ્યું હતું કે, અમે દરોડા પાડ્યાં હતા. જેમાં હોસ્પેટલમાં 1100 ગ્રામ વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. જેમાં વિસ્ફોટક સામગ્રી અને ડબ્બાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સુતળી પણ મળી આવી છે. પોલીસ સમગ્ર પ્રકરણમાં વધારે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. જ્યારે પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
એક રિપોર્ટ અનુસાર પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યાં હતા. પોલીસને માહિતી મળી હતી કે, હોસ્ટેલમાં ગુનાહિત પ્રવૃતિ ચાલી રહી છે અને કોઈ ગુનાને અંજામ આપવા માટે બોમ્બ બનાવવામાં આવી રહ્યાં છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે હોસ્ટેલમાં છાપો માર્યો હતો.