અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે રથયાત્રાઓ, મેળાવડાઓ યોજી શકાયા નહતા. જેમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક ગણાતી રથયાત્રા પણ પરિક્રમાએ નિકળી શકી નહતી. હવે આ વર્ષે અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીસ બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજી અમદાવાદ શહેરની પરિક્રમાએ નિકળશે. તેના માટે જગન્નાથજીના મંદિર તેમજ વહિવટી તંત્ર દ્વારા ધૂમ તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા સંવેદનશીલ વિસ્તારોમાંથી પણ પસાર થતી હોવાથી બંદોબસ્તનું કામ પોલીસ માટે પડકારરૂપ બનતું હોય છે. રથયાત્રા દરમિયાન કોમી એખલાસ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.જેમાં રથયાત્રાના માર્ગો પર કોમી એકતા જળવાઈ રહે તે માટે શહેર પોલીસ દ્વારા તાજેતરમાં એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. તે ઉપરાંત સર્વ ધર્મના લોકોનો રક્તદાન કાર્યક્રમ પણ યોજાયો હતો. હવે આગામી 25 જૂનથી રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર દેશભક્તિના કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર લાઉડ સ્પીકરમાં દેશભક્તિના ગીત વગાડવામાં આવશે. શહેરમાં રથયાત્રા પહેલાં અલગ અલગ પ્રકારના ભાઈચારાને લગતાં કાર્યક્રમો યોજવામાં આવશે. તે ઉપરાંત IPS અધિકારીઓ પણ વાતાવરણ હળવું બનાવવા અને તણાવ હળવો કરવા માટે સરપ્રાઈઝ વિઝીટ કરશે.તેઓ અલગ અલગ સંવેદનશીલ વિસ્તારમાં જઈને લોકો સાથે વાત કરશે અને સમય વિતાવશે. આ નવતર પ્રયોગ કરવા માટે પ્લાન કરી દેવામાં આવ્યા છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રથયાત્રાના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાના રૂટ પર હવે એક અનેરો માહોલ જોવા મળશે. દેશભક્તિના ગીતો સાંભળવા મળશે. 25 તારીખની આસપાસ રથયાત્રા રૂટ પર લાઉડ સ્પીકર ગોઠવવામાં આવશે.રથયાત્રાના માર્ગ પર અલગ અલગ દિવસે સ્થાનિકો દ્વારા હિન્દુ મુસ્લિમ ભાઈચારા માટે નાના-મોટા કાર્યક્રમ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં એક દેશભક્તિનો માહોલ બને તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું હતું કે રથયાત્રાના માર્ગમાં કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં લાઉડ સ્પીકરમાં દેશભક્તિના ગીતો વગાડવાનું આયોજન છે તેમજ અમુક એવા વિસ્તાર છે જે સંવેદનશીલ ગણી શકાય ત્યાં IPS અધિકારી જેમાં મારા સહિતના પોલીસ ઓફિસર જશે. સ્થાનિકો સાથે થોડો સમય રહેશે જેનાથી એક હળવો માહોલ સર્જાઈ શકે છે.(file photo)