અમદાવાદઃ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા કુદરતી સોદર્યથી ભરપૂર પાવાગઢ પર્વત આવેલો છે. આ પર્વત પર ગુજરાતીઓના આસ્થાના કેન્દ્ર જગતજનની મા કાલિકાનું મંદિર આવેલું છે. વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો શ્રી મહાકાળી માતાજીના દર્શને આવે છે. માતાજીના દર્શન કરીને અને કુદરતી સોદર્ય નિહાળી ઘન્યતા અનુભવે છે. ગુજરાતીઓના આસ્થા કેન્દ્ર સમા પાવાગઢ સાથે અનેક દંતકંથાઓ લોકમુખે કહેવાય છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જરધરાની ચાંપાનેર ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં 5 હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તે માટે ભવ્યાતિભવ્ય ભોજનાલયનું નિર્માણ કરાશે.
પાવાગઢ ખાતે આવેલું 51 શક્તિપીઠ પૈકીનું શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ અને ભક્તોની સુવિઘા માટે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાઘામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર પાવગઢના વિકાસ માટે વર્ષ- 2017માં રૂપિયા 121 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે તા. 18મી જૂન, 2022ના રોજ રુપિયા 121 કરોડના કામોનું લોકાર્પણ અને મંદિરની ઘ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર પાવાગઢના સર્વાંગી વિકાસ બે તબક્કામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે. પાવાગઢમાં ફેઝ- ૧માં પાવાગઢમાં વાયડનીંગ ઓફ પાથ-વે, ટોયલેટ બ્લોક, પોલીસ બુથ, વોટર હટ, સીટીંગ પેવેલીયન, ચોક, ઓટલા, ફુડ કોર્ટ, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, સાયનેજીસ વગેરે વિકાસ કામમાં કરવામાં આવ્યા છે. વાયડનીંગ ઓફ પાથ- વેની કુલ લંબાઇ 3.01 કિ.મી કરવામાં આવી છે. જેને કુલ 25 સ્ટ્રેચમાં વહેચવામાં આવી છે. જેમાં કુલ- 2374 પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ફેઝ- 2માં મંદિરના પરિસરના વિસ્તૃતિકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં હયાત મંદિર પરિસર 545 ચો.મી.નું હતું. જે વિસ્તૃતિકરણ બાદ મંદિર પરિસરનો એરિયા ત્રણ લેવલમાં વિસ્તારવામાં આવ્યો છે. જેમાં લેવલ – 1 માં 400 ચો.મી., લેવલ- 21395 ચો.મી., અને લેવલ- 3માં 1185 ચો.મી. મળી કુલ- 2980 ચો.મી.નું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. તેમજ પાથ- વે વીજળીકરણ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તથા સી.સી.ટી.વી.ની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રમણીય યાત્રાઘામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ફેઝ- 3માં પાવાગઢ યાત્રાઘામમાં તળેટીના વિસ્તાર માંચી ચોક ખાતે ભક્તોને પુરતી પાયાની સુવિઘા ઉપલબ્ઘ કરાવવાનું આયોજન છે. ભક્તોને માંચ ચોક ખાતે ખાણીપીણીના સ્ટોલ, ઇન્ફોર્મેશન સેન્ટર, હેલ્થ, પોલીસ, વોટર સપ્લાય, વીજળી અને એડમીન બ્લોક બનાવવા માટે સરકારે વર્ષ- 2022-23ના વર્ષમાં રૂપિયા 1 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
પાવાગઢ યાત્રાઘામ ખાતે આવનારા યાત્રાળુઓની સુવિઘા માટે ફેઝ- 3 ’એ’ માં માંચી ચોક ખાતે ઓફિસ બ્લોક – એનું બાંઘકામ, ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, શૌચાલય, પ્રવેશ દ્વાર, સાઇનેજીસ, ફાયર- ફાઇટીંગ, વોટર સપ્લાય, ડ્રેઇનેજીસ અને ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી અંદાજે રૂપિયા 13 કરોડના ખર્ચે કરવામાં આવનાર છે. યાત્રાઘામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાની વાતને ઘ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફેઝ- 3- બી માં ચાંપાનેર ખાતે 2- પાર્કિંગ, ચાંપાનેરના અંદર અને બહારના રસ્તાની કામગીરી, ફોર્ટનું લાઇટીંગ- ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી રૂપિયા 40 કરોડથી વઘુના ખર્ચે કરવામાં આવનાર છે. જેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.
જગતજનની મા કાલિકાના મંદિરનો માસ્ટરપ્લાનિંગ કરી તેનો સર્વગ્રાહી વિકાસ થાય તે હેતુંથી સરકારે કુલ પ્રોજેક્ટ રકમ 238 કરોડના ખર્ચે વિવિઘ વિભાગોની કામગીરી માટે નાણાકીય વર્ષ- 2023-24માં નવી બાબત રૂપે રૂપિયા 10 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેને સૈધ્ધાંતિક મજુરી આપવામાં આવી છે. વડીલો સહિત ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા રોપ- વે એક્સ્ટેશનની કામગીરી હેઠળ મંદિર પરિસર સુઘી પહેાંચી શકાય તે માટે હાઇડ્રોલિક લીફટની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ 5 હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તે માટે ભોજનાલય બનાવવામાં આવનાર છે. રાજય સરકારના આ પ્રયાસોથી આ તીર્થસ્થાનમાં શ્રધ્ધા સાથે સુવિઘાનો સંગમ થશે. જેનાથી વઘુને વઘુ માઇ ભકતો માના દર્શને ઉમટી પડશે.