હાલ દેશમાં તહેવારનો માહોલ છે, લોકોમાં અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે. તહેવારનો સમય હોય તો ફટાકડાઓ ફોડવાનું પણ બાળકોને વધારે પસંદ હોય છે અને ફોડવા પણ જોઈએ, આપણા હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે, તો આવામાં તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણી મજા તે કોઈ અન્ય માટે કે પોતાના માટે સજા ન બની જવી જોઈએ.
સાંજના સમયમાં જ્યારે પણ ફટાકડા ફોડો ત્યારે ધ્યાન રાખવું કે હંમેશા આખું શરીર ઢંકાઈ જાય તેવા કપડા પહેરવા જેથી કરીને દાઝી જવાની શક્યતાઓથી બચી શકાય. આ ઉપરાંત જ્યારે પણ ફટાકડા ફોડો ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે રસ્તા પર જેમ તેમ ફટાકડા ન નાખવા, આવું કરવાથી રસ્તા પર અકસ્માત પણ થઈ શકે છે અને અન્ય લોકોને નુક્સાન પણ થઈ શકે છે.
જો બાળકોને બોમ્બ ફટાકડા ફોડવાનો શોખ હોય તો સલામત અંતર રાખીને ફટાકડા ફોડવાનું ન ભૂલવું જોઈએ. ક્યારેક ફટાકડાના બોમ્બ ફટાફટ ફૂટતા નથી તો બાળકો નજીક ચેક કરવા જતા હોય છે અને અકસ્માત થતો હોય છે. કેટલાક બાળકોને ફટાકડા હાથમાં રાખીને પણ ફોડવાનો શોખ હોય છે તો આ પ્રકારની પ્રવૃતિઓ બાળકો ન કરે તેનું માતાપિતાએ ધ્યાન રાખવું જોઈએ.
બાળકો જ્યારે ફટાકડા ફોડે ત્યારે ક્યારેક તે ફટાકડાને ખિસ્સામાં ભરતા હોય છે તો એ ન કરવું જોઈએ અને હંમેશા કોઈ વડીલે ફટાકડા ફોડતી વખતે બાળકોની સાથે રહેવું જોઈએ.