અમદાવાદઃ શહેરમાં આડેધડ થતા વાહનોના પાર્કિંગને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જતા હોય છે. આ સમસ્યા હલ કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મ્યુનિ.ના પ્લાટ્સ તેમજ વિવિધ સ્થળોએ વાહનો માટે પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે. પે એન્ડ પાર્કિંગ માટે કોન્ટ્રાક્ટ અપાયા છે. પણ કોન્ટ્રાકટો દ્વારા વધુ ફી લેવાતી હોવાની ફરિયાદો થતાં હવે ક્યુઆર કોડથી પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ AMC પાર્કિંગનો કોન્ટ્રાક્ટ મેળવનારા કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે તે મુજબ ચાર્જ વસૂલ કરાતા હોવાની તેમજ મેન્યુઅલ ટિકીટ આપવામાં કથિત ગેરરીતિની ફરિયાદોને ધ્યાનમાં લઈને હવે ઓટોમેટિક ટિકીટિંગ મશીનથી સ્લીપ આપવા અને QR કોડ સિસ્ટમ અમલ કરવામાં આવશે. આમ, AMCના પાર્કિંગના કોન્ટ્રાક્ટરો દ્વારા મન ફાવે તેમ પૈસા ઉઘરાવવા પર બ્રેક લાગશે. હવે AMCના પાર્કિંગમાં વાહન પાર્કિંગ ચાર્જીસ વસૂલવા માટે ઓટોમેટિક ટિકિટીંગ મશીન, QR કોડ સિસ્ટમ સહિત ડિજીટલ પેમેન્ટનો અમલ કરવામાં આવશે. આ પ્રકારે ડિજીટલ પેમેન્ટની સિસ્ટમ અમલમાં મૂકવાને પરિણામે પારદર્શિતા વધશે તેમજ કોન્ટ્રાક્ટરો મન ફાવે તે પ્રકારે ચાર્જ વસૂલીને વાહનચાલકો પાસેથી વધુ પૈસા પડાવી શકશે નહીં.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, AMC દ્વારા શરતો તેમજ ટુ- વ્હીલર અને ફોર વ્હીલર સહિત વાહનોના પાર્કિંગ માટે ચાર્જ નક્કી કરીને ટેન્ડર મંજૂર કરવામાં આવે છે. પરંતુ કેટલાંક કોન્ટ્રાક્ટરો દ્વારા ટેન્ડરની શરતોનો ભંગ કરીને નાગરિકો પાસેથી મન ફાવે તે મુજબ પાર્કિંગના ચાર્જ વસૂલતા હોવાની અવાર-નવાર ઉઠતી ફરિયાદોને ધ્યાનમાં લઈને AMC દ્વારા હવે વાહન પાર્કિંગ માટે ડિજિટલ પેમેન્ટ, QR કોડ મારફતે પેમેન્ટ કરવાનો અમલ કરવા અંગે સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે.