ગાંધીનગરઃ રાજ્યનાં ખેડૂતોને ખેતી સબંધિત માહિતી મળી રહે તથા ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓમાં લાભ મેળવવા માટે ઘરે બેઠા સરળતાથી ઓનલાઇન અરજી કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સૌ પ્રથમવાર વર્ષ 2021-22માં રાજયનાં ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતાં સ્માર્ટફોન પર સહાય આપવા અંગેની યોજના અમલી બનાવી હતી. ચાલુ વર્ષ 2022-23માં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ 100 કરોડની જોગવાઈ કરાઈ છે. આ સહાયનો લાભ મેળવવા રાજ્યભરમાંથી 33,079 ખેડૂતો દ્વારા આઇ.ખેડૂત પોર્ટલ પર અરજી કરવામાં આવી હતી. જે પૈકી 13,074ના પેમેંટ ઓર્ડર ઈસ્યૂ કરીને સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે. જ્યારે ગત વર્ષ 2021-22માં આ માટે રૂ.1500 લાખની જોગવાઇ કરવામાં આવી હતી. જે અંતર્ગત માર્ચ-2022 સુધીમાં 16,104 ખેડૂતોને રૂ.921,18 લાખની સહાય ચૂકવી દેવામાં આવી છે.
રાજ્યના કૃષિ વિભાગના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. કૃષિક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈ.ટી. ટેકનોલોજીના ઉપયોગ થકી નવી ખેત ઉપયોગી અદ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે. જેમાં ખેડૂતો દ્વારા હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાત ઉપગ્રહની માહિતી, ખેડૂત ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પદ્ધતિ, રોગ-જીવાત નિયંત્રણની તકનીકી, ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવવા તથા ખેતીવાડી ખાતાની યોજનાઓમાં સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા વગેરે જેવી બાબતો માટે ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં સ્માર્ટફોનની ખરીદી માટે સ્માર્ટ ફોન પર સહાય યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40 ટકા અથવા રૂ.6000 બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાયનું ધોરણ મંજુર કરવામાં આવે છે. જેનો લાભ મેળવવા ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે તેમ યાદીમાં વધુ જણાવવામાં આવ્યું છે.