Site icon Revoi.in

રાજકોટ યાર્ડમાં મગફળી અને મરચાની આવક બંધ કરવી પડીઃ શિવરાત્રીએ યાર્ડ રજા રાખશે

Social Share

રાજકોટઃ રાજ્યમાં ગત ચોમાસામાં સારા વરસાદને કારણે રવિપાકનું રેક્રડબ્રેક વાવેતર થયું હતુ. તેથી હવે માર્કેટયાર્ડમાં રવિપાકની ધૂમ આવક શરૂ થઈ છે. સાથે જ સિંગતેલના ભાવ ઉંચા જતા હવે ધીમે- ધીમે યાર્ડમાં મગફળીની આવક વધી રહી છે. હાલ મગફળીની આવક થઇ રહી છે તે સિઝનની છેલ્લી આવક છે. એપ્રિલ માસથી નવી આવક થશે. હાલમાં આવક વધારે હોવાને કારણે યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે, તો બીજી તરફ સિઝનના પ્રારંભે જ મરચાંની આવક વધારે હોવાને કારણે તેની આવક પણ બંધ કરવી પડી હતી.

માર્કેટયાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ  મગફળી તથા સુકા મરચાંની આવક માટે નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી આ બન્ને જણસીની આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. જ્યારે રવિવારે ચણા, ધાણા, લસણ અને કપાસની આવક સ્વીકારવામાં આવી હતી. બપોરના 1 કલાકથી આવક સ્વીકારવાનું શરૂ થયું હતું. જે સાંજ સુધી ચાલુ રહી હતી. આ સિવાય કાલે શિવરાત્રી હોય મંગળવારે માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેશે. કાલે શિવરાત્રી પૂર્વે યાર્ડમાં બટેટા અને શકરિયાંની આવક વધારે થઇ હતી. શનિવારે 10,500 કિલો શકરિયાંની આવક થઈ હતી. જેનો ભાવ રૂ. 370 થી 750 સુધીનો બોલાયો હતો. જ્યારે બટેટાની આવક 2,45,500 કિલો નોંધાઈ હતી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગોંડલ પંથકમાં મરચાનું સારૂએવું ઉત્પાદ થયુ છે. અને ખેડુતો ગોંડલ અને રાજકોટના માર્કેટ યાર્ડમાં લાલ મરચાના વેચાણ માટે આવી રહ્યા છે. એટલે યાર્ડમાં મરચાનો ભરાવો થયો છે. એટલે હાલ પુરતી મરચા ન લાવવા ખેડુતોને અપિલ કરવામાં આવી છે.