ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક,સિંગતેલના ભાવ ઘટવાની સંભાવના
- ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક
- સિંગતેલના ભાવ ઘટવાની સંભાવના
- ખેડૂતોને એક મણના રૂ. 900થી 1100 મળ્યા
ગોંડલ :રાજકોટ જિલ્લામાં આવેલા ગોંડલના માર્કેટ યાર્ડમાં મગફળીની જોરદાર આવક થઈ છે. જાણકારી અનુસાર મંગળવાર મોડી સાંજથી જ ખેડૂતોની જણસી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ચિક્કાર આવક થઈ છે.સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં જેની ગણના થાય છે તેવા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં દોઢ લાખ જેટલી મગફળીની ગુણીની આવક થઈ છે.
માર્કેટયાર્ડની બહાર 1400 થી 1500 જેટલા વાહનોની લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી. ત્યારે આજરોજ ખેડૂતોને મગફળીની જણસી મામલે થયેલી હરાજીમાં 20 કિલોના 900 રૂપિયા થી લઇ 1100 જેટલા ભાવ મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સિંગતેલના ડબ્બાનો ભાવ પણ વધી ગયો છે જેના કારણે લોકોને આર્થિક રીતે તે પણ હેરાન પરેશાન કરી રહ્યું છે. આવામાં જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવી રહ્યું છે કે જો આ પ્રકારે આવક થવાની ચાલુ રહેશે તો આગામી સમયમાં સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે જેથી કરીને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત થઈ શકે છે.