રાજકોટ : રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાને પગલે તમામ જીવન જરૂરિયાતની ચિજ વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ત્યારે તહેવારો પહેલા મોંઘવારીના મારથી ત્રસ્ત જનતાને વધુ એક ઝટકો મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ એક સરખા થઈ ગયા છે. સિંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ 2500 રૂપિયા થઈ ગયો છે. તહેવારો સમયે જ બંને તેલના ભાવ એક સરખા થઈ ગયા છે. જેનાથી મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજીબાજુ સસ્તા ગણાતા પામોલિન તેલના ભાવે પણ 2 હજારની સપાટી કુદાવી છે.
ગુજરાતમાં મોંઘવારી હવે લોકોને કોઠે પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે. વર્ષો પહેલા સિંગતેલમાં માત્ર એક રૂપિયાનો વધારો થાય તો આંદોલનો થતા હતા. હાલ તહેવારોના ટાણે સિંગતેલ અને કપાસિયાના તેલના ભાવ એકબીજાની સ્પર્ધા કરી રહ્યા હોય એવું લાગી રહ્યુ છે. ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ થતી રહી છે. આ વર્ષના મધ્યથી ખાદ્ય તેલોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. આ વધારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. અત્યાર સુધી એવુ રહેતુ કે સિંગતેલના ભાવ કપાસિયા તેલ કરતા વધુ રહેતા હતા. પરંતુ હવે બંનેના ભાવ કટોકટ પર આવી ગયા છે. સિંગતેલ અને કપાસિયા તેલના એક ડબ્બાનો ભાવ 2500 રૂપિયા થઈ ગયો છે. અત્યાર સુધી ખાદ્ય તેલના ભાવોમાં ક્યારેય આટલી ઉથલપાથલ થઈ નથી.
વેપારીઓના કહેવા મુજબ, માર્કેટમાં સટ્ટાખોરીને કારણે કપાસિયા તેલના ભાવ વધ્યા છે. અત્યાર સુધી સિંગતેલથી નીચો રહેતો ભાવ હવે તેના બરોબર આવી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે. 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે. છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. ગત 3 ઓગસ્ટના રોજ રાજકોટમાં પામોલીન તેલનો ભાવ 1995-2000 રૂપિયા હતો. જેના સોદામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. પામોલિન તેલના ભાવે પણ 2 હજારની સપાટી કુદાવી છે અને તે 2030 રૂપિયા થઈ ગયો છે.