રાજ્યમાં મગફળીનું 34.80 લાખ ટન ઉત્પાદન છતાં સીંગતેલના વધુ ભાવ ઘટવાના કોઈ અણસાર નહીં
જામનગર : સૌરાષ્ટ્રમાં આ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે. છતાં સીંગતેલના વધુ ભાવ ઘટવાના કોઈ અણસાર મળતા નથી.સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનની બેઠક પ્રમુખ કિશોરભાઈના અધ્યક્ષ સ્થાને જામનગરમાં તાજેતરમાં યોજાઇ હતી. આ બેઠકમાં આ વર્ષે 34.80 લાખ ટન મગફળીના પાકનો અંદાજ મુકવામાં આવ્યો હતો.આ વર્ષે મગફળીનું ઉત્પાદન 34.80 લાખ ટન થાય તેવો અંદાજ છે. સરકાર દ્વારા નિયંત્રણો લગાવવામાં આવેલા નથી. નિયંત્રણ લગાવવાથી બિનજરૂરી સરકારી કનડગત વધે છે અને જેના માઠા પરિણામો આવે છે. ભારતમાં અઢી કરોડ ટન તેલનો વપરાશ છે. જેની સામે ભારતમાં ફકત 70 લાખ ટન તેલીબીયાનું ઉત્પાદન થાય છે. જેથી 180 લાખ ટન પામ સોયાબીન જેવા તેલોની આયાત કરવી પડે છે. તેલનો ભાવ નીચો લાવવા માટે સરકારે તેલીબીયા ઉપરની આયાત ડયૂટી 35 ટકાથી ઘટાડી 17 ટકા કરેલી છે. પરંતુ ડયૂટી ઘટાડવાના પરિણામે ઈન્ડોનેશીયા અને મલેશિયાએ પોતાની પડતર વેંચાણમાં ભાવ વધારો કરી દેતા આ ડયૂટી ઘટાડાનો લાભ વપરાશકારોને મળ્યો નથી.
ભારતમાં મગફળીના તેલનું ઉત્પાદન 12 લાખ ટન થાય છે. જે વપરાશકારોની સરેરાશ જોતા ફકત 6 ટકા છે. જેઓ મગફળીનું તેલ વાપરે છે. જયારે 94 ટકા પ્રજા અન્ય ખાદ્ય તેલો વાપરી રહી છે. તેવી જ રીતે સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1110 રૂપિયા નકકી કર્યો છે અને આ ભાવની મગફળી ખરીદ્યા બાદ તેલનો ડબ્બો 2400 રૂપિયામાં પડતર થાય જેથી તેમાં ભાવ ઘટાડો થવાની સંભાવના રહેતી નથી જો ટેકાનો ભાવ ઘટાડવામાં આવે તો ખેડૂતોને મગફળીની ખેતી કરવી મોંઘી પડે. જે સ્થિતિ જોતા 6 ટકા વપરાશકર્તાઓ માટે ચિંતા કરવાને બદલે સરકારે 94 ટકા વપરાતા તેલનો ભાવ કેમ નિયંત્રીત રહે તે નિર્ધારીત કરવું જોઈએ. સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશનની બેઠકમાં પ્રમુખ કિશોરભાઈએ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતનો પણ અહેવાલ આપેલો હતો.