રાજકોટઃ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની અઢળક આવક થઇ હતી. ગોંડલ યાર્ડમાં ભાવ સારા મળી રહેતા હોવાને કારણે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળીનું વેચાણ કરવા ગોંડલ યાર્ડમાં આવી રહ્યા છે. આજે યાર્ડની બંને તરફ ચાર-ચાર કિલોમીટર સુધીની લાંબી લાઇન લાગી છે. યાર્ડમાં અંદાજે દોઢ લાખ ગુણીની આવક થવાની શક્યતા છે. હાલ મગફળીનો પાક પાકી ગયો હોવાથી ખેડૂતો મગફળીની સિઝનમાં વ્યસ્ત બન્યા છે. આ વર્ષે ખેડૂતો મગફળી સાચવી રાખવાને બદલે યાર્ડમાં સીધી જ વેચાણ કરી રહ્યા છે.
રાજકોટના બેડી યાર્ડની જેમ ગોંડલ યાર્ડ પણ ખરીફ પાકની આવકથી ધમધમી રહ્યું છે. ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરી છે. યાર્ડની અંદર એક પછી એક વાહનને એન્ટ્રી આપવામાં આવી રહી છે. અઢળક આવકથી યાર્ડ પણ મગફળીના પાકથી ઉભરાયું છે. ગત વર્ષે વધુ પડતી આવકને કારણે યાર્ડે વૈકલ્પિક જગ્યા રાખી હતી. આ વર્ષે પણ સારા વરસાદને કારણે મગફળીનો પાક મબલક થતા મગફળી સાથે વાહનોની લાંબી કતાર લાગી ગઇ છે. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે મગફળીના પાકનું મબલક ઉત્પાદન થતા દિવાળી પૂર્વે ખેડૂતો દ્વારા મગફળી વેચાણ કરી રોકડ રૂપિયા મેળવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મગફળીની હરાજીમાં રૂપિયા 1050થી 1200 સુધી ભાવ બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થતા દશેરાના દિવસે રાબેતા મુજબ સવારના સમયે મગફળીની હરાજી કરવાની ફરજ પડી હતી.