Site icon Revoi.in

સરખેજ-ગાંધીનગર હાઈવે પર પૂરફાટ ઝડપે આવેલી કારે રાહદારીને ટક્કર મારતા મોત

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં સૌથી વધુ અકસ્માતોના બનાવો એસજી હાઈવે પર બની રહ્યા છે. ત્યારે એસજી હાઈવે પર એસજીવીપી સ્કુલ પાસે એક સિનિયર સિટિઝન રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પુરફાટ ઝડપે આવેલી કારે ટક્કર મારતા નવિનભાઈ ભરૂચા નામના સિનિયર સિટિઝનને રોડ પર પટકાતા ઈજાઓ થઈ હતી. દરમિયાન અકસ્માત બાદ કારચાલક નવિનભાઈને પોતાની કારમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન  નવિનભાઈનું મૃત્યુ થયું હતું. પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને કારચાલકની ધરપકડ કરી હતી.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી હતી કે, અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ડમરુ સર્કલ પાસે રહેતા 83 વર્ષીય નવીનભાઈ ભરૂચા નિવૃત્ત જીવન ગુજારે છે. સાંજના સમયે નવીનભાઈ સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે કોઈ કામ અર્થે ગયા હતા અને ત્યાર બાદ રાત્રીના સમયે ઘરે પરત આવવા માટે એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પૂરપાટ જતી કારે નવીનભાઈને ટક્કર મારી હતી. કારની ટક્કરને કારણે તેઓ હવામાં ફંગોળાઈને જમીન પર પટકાઈ પડતા ગંભીર ઈજા થઈ હતી અને બેભાન થઈ ગયા હતા.

આ અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બીજી બાજુ કારચાલક તેની કારમાં બેસાડીને નવીનભાઈને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન નવીનભાઈનું મોત થયું હતું. આ મામલે એસજી હાઈવે પોલીસે કારચાલકની વિરુદ્ધમાં ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા તેનું નામ કિરીટભાઈ પટેલ હોવાનું અને ગાંધીનગર ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.