- અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ
- પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી
અમદાવાદઃ દ્વારકા ખાતે દર્શન કરવા જઈ રહેલા પદયાત્રાઓને અકસ્માત નડ્યો હતો. જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી નજીક પૂરઝડપે આવેલી મોટરકારે ચારેક પદયાત્રીઓને અડફેટ લીધા હતા. આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 3 પદયાત્રીઓના કરુણ મોત થયાં હતા. જ્યારે એક પદયાત્રાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકા ખાતે દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓ જામનગર-દ્વારકા હાઈવે પર નાની ખાવડી, મેઘપર નજીકથી પસાર થઈ રહ્યાં હતા. દરમિયાન પુરઝડપે પસાર થતી મોટરકાર અચાનક તેમની તરફ ઘસી આવી હતી અને પદયાત્રીઓ કંઈ સમજે તે પહેલા જ ચાર શ્રદ્ધાળુઓને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનાને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી.
આ દૂર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા એક પદયાત્રીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અકસ્માતમાં 3 પદયાત્રીઓના મોત થયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ સમગ્ર ઘટના અંગે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધવાની કવાયત શરુ કરી હતી.
બીજી તરફ અકસ્માતમાં મૃત્યુ પામનાર પદયાત્રાઓની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી મુજબ પદયાત્રીઓ દ્વારકા દર્શન માટે પગપાળા જઈ રહ્યા હતા. માર્ગ અકસ્માતમાં 3 પદયાત્રીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.