દિલ્હી :છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી AIIMS પ્રશાસન દ્વારા ઘણા નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.ત્યારે હોસ્પિટલના ડિરેક્ટરે એક નવો નિર્ણય લીધો છે. જે મુજબ હવે હોસ્પિટલ પરિસરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ રહેશે.જો કોઈ વ્યક્તિ બીડી-સિગારેટ પીતા કે પાન તમાકુ ખાતા પકડાશે તો તેની પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.આ નિયમ દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ સહિત અન્ય તમામ સ્ટાફને પણ લાગુ પડશે.
એમ્સમાં દરરોજ લગભગ 10,000 દર્દીઓ ઓપીડીમાં આવે છે.હોસ્પિટલ પરિસરને ગંદકી અને ધુમાડા મુક્ત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આ અંગે સત્તાવાર આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.આ પરિપત્ર તમામ વિભાગો અને ઓપીડી પરિસરમાં મોકલવામાં આવ્યો છે.હોસ્પિટલના ડાયરેક્ટરે આદેશમાં કહ્યું છે કે,જો કોઈ કાયમી કર્મચારી કે ડૉક્ટર પણ હોસ્પિટલ પરિસરમાં ધૂમ્રપાન કરે છે અથવા તમાકુની બનાવટોનો ઉપયોગ કરે છે તો તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત જે કર્મચારીઓ કાયમી નથી તેઓ જો ધૂમ્રપાન કરતા પકડાશે તો તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવશે.તમામ વિભાગીય વડાઓને આદેશ પણ જારી કરવામાં આવ્યો છે કે તેઓ તેમના વિભાગમાં આ નિયમનું ચુસ્તપણે પાલન કરે.