અમદાવાદઃ ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નો માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા હતા, દરમિયાન એસટી નિગમનાં માન્ય ત્રણ કર્મચારી સંગઠનોની વિવિધ માગનો અંત આવ્યો છે. રાજ્ય વાહનવ્યવહારમંત્રી, અધિકારીઓ અને કર્મચારી સંગઠનના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં વર્કર્સ ફેડરેશન, કર્મચારી મહામંડળ, મજદૂર મહાસંઘના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કર્મચારીઓનાં હિતમાં નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં બાકી એરિયર્સની ચુકવણી દિવાળી પહેલાં કરાશે, HRA નવેમ્બરથી ચૂકવાશે. સિનિયર અને જુનિયર કર્મચારીઓના ગ્રેડ પે અને પગાર બાબતે ચર્ચા કરાશે. વાર્ષિક રજાઓને લઈને પરિપત્ર જાહેર કરાશે, અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને વળતર ચૂકવવા અંગે નિર્ણય લેવાશે. દિવાળી પહેલાં પાર્ટટાઈમ કર્મચારીઓને બોનસ ચૂકવાશે. ઓવરટાઈમની ચૂકવણી અંગે નિર્ણય લેવાશે, ફિક્સ પગારના કર્મચારીઓને ઉચ્ચક ફેસ્ટિવલ એડવાન્સ તરીકે 5 હજાર રૂપિયા અપાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ એસટીના કર્મચારીઓ પોતાના વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા હતા. અને 2જી નવેમ્બરથી માસ સીએલ પર જવાની કર્મચારીઓએ ચિમકી આપી હતી. દરમિયાન વાહન વ્યવહાર મંત્રીએ એસટીના વર્કર્સ ફેડરેશન, કર્મચારી મહામંડળ, મજદૂર મહાસંઘને મંત્રણા માટેનું કહેણ મોકલતા વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ અને વર્કર્સ ફેડરેશન, કર્મચારી મહામંડળ, અને મજદૂર મહાસંઘના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં કેટલાક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
ગુજરાત સરકારે ફિક્સ પે કર્મચારીઓ બાદ હવે એસટી કર્મચારીઓની દિવાળી પણ સુધારી દીધી છે. પોતાની પડતર માગોને આંદોલન કરી રહેલા એસટીના કર્મચારીઓની માગો રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે, જેને પગલે એસટી કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે. એસટીના કર્મચારીઓની એરિયર્સ, મોંઘવારી ભથ્થાં અને HRAની માગણી સરકારે સ્વીકારી લીધી છે. સરકારે આ અંગે લેખિતમાં ખાતરી આપી છે. ST યુનિયન જાન્યુઆરી 2023થી અમલી 4% મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા મંજૂરી માગવામાં આવશે. આ મોંઘવારી ભથ્થું ડિસેમ્બરથી આપવા સરકાર પાસે મંજૂરી મગાશે. આ ઉપરાંત ફિક્સ પગાર નીતિ, સિનિયર-જુનિયર પગાર ધોરણ સહિતની બાબતો પર ચર્ચા થશે. ST કર્મચારીઓને સુધારેલા HRA નવેમ્બરથી ચૂકવાશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કર્મચારીઓની નાણાકીય બાબતો અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની પણ ખાતરી આપી છે. એસટી કર્મચારીઓની માગણી બાદ એરિયર્સ ચૂકવવામાં સરકારે જણાવ્યું હતું કે ત્રણ હપતામાં એરિયર્સ ચૂકવાશે. દિવાળી પહેલાં પ્રથમ એરિયર્સનો હપતો ચૂકવાશે, જે બાદ બીજો હપતો ચૂકવાશે.