Site icon Revoi.in

દેશભરમાં લોકોએ નવા વર્ષ 2024નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું

Social Share

નવી દિલ્હીઃ દેશભરમાં લોકોએ 2023ને વિદાય આપતાં નવા વર્ષ 2024નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું. આ અવસરે મોટી સંખ્યામાં લોકો ધાર્મિક સ્થળો ઉપર પ્રાર્થના કરતા નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળ્યા. અમૃતસરના સુવર્ણમંદિરમાં શ્રદ્ધાળુઓએ પ્રાર્થના સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. વારાણસીના દશાશ્વમેઘ ઘાટ ઉપર ગંગા આરતી અને સૂર્ય પૂજા કરવામાં આવી. તો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં તેમજ દિલ્લીના કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરમાં નવા વર્ષની પહેલી આરતી કરવામાં આવી. ઉજ્જૈના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં નવા વર્ષની પહેલી ભસ્મ આરતી થઈ.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે વર્ષ 2024 સૌ લોકો માટે પ્રસન્નતા, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. વધુમાં કહ્યું કે પ્રજાએ રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાનું યોગદાન આપતા રહેવું જોઈએ. રાષ્ટ્ર અને સમાજને સમૃદ્ધ બનાવવાની શપથ લેવી જોઈએ.

દરમિયાન અમદાવાદ શહેરમાં થર્ટીફસ્ટની રાતને સેલિબ્રેટ કરવા માટે શહેરના સીજી રોડ પર યુવક-યુવતીઓ શહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉપરાંત શહેરના એસજી રોડ, સિન્ધુભવન રોડ સહિતના વિસ્તારોમાં પણ મોટી સંખ્યમાં યુવક-યુવતીઓએ એકઠા થઈને ડીજેના તાલે ઝૂંમીને સેલીબ્રેટ કરી વર્ષ 2024ને આવકાર આપ્યો હતો. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરમાં રવિવારે મોડી સાંજથી જ યુવાનો પાર્ટી-પ્લોટો અને ક્લબોમાં ઉમટી પડ્યા હતા. શહેરના માર્ગો વાહનોથી ઉભરાઇ ગયા હતા. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે નવા વર્ષની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. મોટા ભાગના પાર્ટી પ્લોટ, રિસોર્ટ, ક્લબ અને હોટલ્સમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હતુ. આ વખતે પાર્ટીઓમાં સનબર્ન, લેસર, ડાર્ક લાઈટ, ફાયર ડ્રમ, વોટર ડ્રમ વગેરે ફેમસ થીમ હતી.