અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોના વિરોધા રસીકરણ ચાલી રહ્યું છે. જેમાં કુલ 1,49,507 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ શહેરમાં 7 લાખથી વધુ લોકોએ રસી લીધી છે. મહત્વનું છે કે, અમદાવાદના કેટલાક વિસ્તારના લોકોએ સામે ચાલી રસી લેવા ઉત્સાહ બતાવ્યો હતો જ્યારે કેટલાક વિસ્તારોમાં વેક્સિન લેવા બાબતે નિરૂત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના મધ્ય ઝોનમાં 60 વર્ષ ઉપરના ફકત 7 ટકા સિનિયર સિટીઝને રસી લીધી હતી તેમજ 45 વર્ષ ઉપરના 8.5 ટકા લોકોએ રસી લીધી હોવાનું ધ્યાને આવ્યું છે. શહેરના સાત ઝોનની સરખામણીએ મધ્ય ઝોનના આ આંકડાં સૌથી ઓછા છે. મધ્ય ઝોનમાં દરિયાપુર, શાહપુર, જમાલપુર, ખાડિયા, શાહીબાગ અને અસારવાનો સમાવેશ થાય છે.
શહેરના પશ્વિમ ઝોનમાં 60 વર્ષ ઉપરના 31 ટકા સિનિયર સિટીઝને રસી લીધી હતી તેમજ 45 વર્ષ ઉપરના 8.5 ટકા લોકોએ રસી લેવા ઉત્સાહ બતાવ્યો હતો. શહેરના સાત ઝોનની સરખામણીએ પશ્વિમ ઝોનમાં સૌથી વધુ લોકોએ રસી દીધી હતી. પશ્વિમ ઝોનમાં પાલડી, વાસણા, નારણપુરા, નવરંગપુરા, સ્ટેડિયમ, રાણીપ, નવા વાડજ, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારનો સમાવેશ થાય છે. ઉત્તર ઝોનમાં 60 વર્ષ ઉપરના ફકત 9 ટકા સિનિયર સિટીઝને રસી લીધી હતી જ્યારે દક્ષિણ-પશ્વિમ ઝોનમાં 45 વર્ષ ઉપરના ફકત 9 ટકા લોકોએ રસી લીધી હતી. મહત્વનું છે કે, પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર અને હેલ્થ કેર વર્કરને વેક્સિન આપવા સરકારે ભાર મૂક્યો હતો. બીજા તબક્કામાં 60 વર્ષ ઉપરના સિનિયર સિટીઝન અને ત્રીજા તબક્કામાં 45 વર્ષ ઉપરના લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.
શહેરમાં 13, 942 લોકોએ વેક્સિન લીધી હતી. ત્રણ મહિનામાં અમદાવાદમાં રહેતા 1 લાખ ફ્રન્ટલાઈન વર્કર અને 72 હજાર હેલ્થ કેર વર્કરને રસી અપાઈ હતી. સૌથી વધુ પશ્વિમ ઝોનના 23 હજાર ફ્રન્ટલાઈન વર્કર અને 20 હજાર હેલ્થ કેર વર્કરને રસી અપાઈ હતી જ્યારે બીજા નંબરે મધ્ય ઝોનમાં 16 હજાર ફ્રન્ટલાઈન વર્કર અને 17 હજાર હેલ્થ કેર વર્કરને રસી આપવામાં આવી હતી.