બનાસકાંઠાનું એવું ગામ કે જ્યાં પાણીની સમસ્યા હોવાથી છોકરાઓની સગાઈ પણ નથી થતી
- પાણીની કિંમત તો આ લોકોને પુછો
- પાણીની સમસ્યાના કારણે નથી થતી છોકરાઓની સગાઈ
- કોઈ પોતાની દિકરીના લગ્ન તે ગામમાં કરવા તૈયાર નથી
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ તો જામ્યો છે, પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ન પડતા મોટી સમસ્યાઓ સર્જાય છે. આવામાં બનાસકાંઠાનું એવું ગામ કે જ્યાં પાણીની સમસ્યાને કારણે છોકરાઓની સગાઈ નથી. આ વખતે ચોમાસામાં હાલત એવી બની છે કે રાજ્યમાં એક તરફ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ ઉતર ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જતા લોકો પાણી માટે ટેન્કરનો આધાર રાખવા મજબૂર બન્યા છે.
જો વાત કરવામાં આવે અન્ય લોકોની તો સ્થિતિ એવી છે કે આ વિસ્તારોમાં પાણીની અછતના કારણે આ ગામોમાં કોઈ દીકરી પરણાવવા પણ તૈયાર નથી. બનાસકાંઠા જિલ્લામાં અપૂરતા વરસાદના લીધે નદી-તળાવ જેવા કુદરતી જળસ્ત્રોત સુકાઈ ગચા છે, તો બોર, કુવાઓના તળ પણ ઉંડા ઉતરી ગયા છે. પરિણામે ભર ચોમાસામાં પાણીની અછત ઉદ્ભવી છે. લોકોએ પાણી માટે ટેન્કર પર મદાર રાખવો પડી રહ્યો છે.
બનાસકાંઠાના ધાનેરા, સુઈગામ, ડીસા, દાંતીવાડા વિસ્તારમાંમાં ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. સ્થાનિકો કહી રહ્યાં છે કે એક હજાર રૂપિયા આપવા છતાં ટેન્કર આવવા તૈયાર નથી. પીવાના પાણી સાથે નહાવા-ધોવાની પણ મુશ્કેલી પડી રહી છે.
આ વિસ્તારોમાં રહેતા સ્થાનિકો એવી રીતે મજબૂર બન્યા છે કે પાણીનું ટેન્કર આવતાની સાથે જ બધા કામને પડતા મુકીને પાણી ભરવા માટે દોડવું પડે છે. છત્તા પણ પુરતા પ્રમાણમાં પાણી તો મળતું જ નથી. ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાઈ જતા સૌથી કફોડી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ ખેંચાતા સિંચાઈ બાદ હવે પીવાના પાણીની સમસ્યા પણ ઉદભવી છે.