બંગાળમાં હિંસા બાદ લોકો ઘરે પરત ફરી રહ્યા છે, પરંતુ હજુ પણ ડર યથાવત: રિપોર્ટ
કોલકત્તા: આજથી એક મહિના પહેલા બંગાળમાં થયેલી હિંસાના કારણે સમગ્ર રાજ્યમાં અસર જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકોના ઘર લૂંટી લેવામાં આવ્યા, લોકો પર રોડ પર ખુલેઆમ હૂમલા થયા એવામાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે સ્થાળાંતર કર્યું હતુ.
હવે કોલકત્તા હાઈકોર્ટની દખલ બાદ આ લોકો પોતાના રહેઠાણ પર પરત ફરી રહ્યા છે. હિંસાના કારણે કેટલાક લોકોએ પોતાના ઘર અને રહેણાંક વિસ્તારને મુકીને જીવ બચાવવા માટે ભાગવુ પડ્યુ હતુ. કોલકત્તા પ્રગતિ મેદાનની બહાર અંદાજે 140 લોકોનું ટોળુ હાજર છે જેમની વતન પરત ફરવાની તૈયારી ચાલી રહી છે.
મીડિયા સાથે વાત કરતા એક પીડિત વ્યક્તિએ જણાવ્યું કે તેને પોતાના વતન પરત ફરવાની ખુશી છે પરંતુ સામે ડર છે કે ટીએમસીના ગુંડાઓ ફરીવાર આવી જશે તો, અને પોલીસના ગેરજવાબદાર વર્તનથી પણ તેઓ નાખુશ છે.
બંગાળ સરકારે છેલ્લા 1 મહિનામાં પશ્ચિમ બંગાળમાં હિંસાના પીડિતોની કોઈ કાળજી લીધી ન હતી, પરંતુ કલકત્તા હાઇકોર્ટે સ્થળાંતર કરવા મજબૂર બનેલા લોકોને ઘરે પાછા ફરવા, કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો હતો અને હવે લોકો ઘરે પરત ફરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાના પરિણામો આવ્યા પછી ઘણા જિલ્લાઓમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસાના કારણે સેંકડો લોકોને ઘર છોડવું પડ્યું હતું. ઘણા લોકોએ સંબંધીઓના ઘરે આશરો લીધો છે અને ઘણા લોકોને રસ્તાઓ પર રહેવાની ફરજ પડી છે, પરંતુ હાઈકોર્ટની દખલ બાદ હવે લોકોને આશા છે કે હિંસા નહીં થાય.