સુરેન્દ્રનગરઃ ટ્વીનસિટી તરીકે ઓળખતા સુરેન્દ્રનગર અને વઢવાણમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. જેમાં વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તા પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામને લીધે લોકો પરેશાન થઈ રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ ઓવરબ્રિજ બનાવવાનો કોઈ નિર્ણય લેવાતો નથી.
સુરેન્દ્રનગર તેમજ વઢવાણ શહેરના લોકો અને ગ્રામ્ય પંથકની પ્રજાને મોટા ભાગે ગણપતિ ફાટસર ચાર રસ્તાનો અવરજવર માટે ઉપયોગ કરવો પડે છે. વઢવાણ ઘરશાળા, દૂધની ડેરી પુલ, ગણપતિ ફાટસર બાયપાસ રોડ તેમજ જોરાવરનગર તરફ આવતા જતા વાહનો આ ચાર રસ્તા ઉપર વારંવાર એકઠા થાય છે. પરિણામે એકબીજા વાહનો તેમજ નજીકમાં જ રેલવે ફાટક હોવાથી ટ્રાફિકજામ થઇ જાય છે. આ ફાટકમાંથી રોજની 40થી વધુ ટ્રેન પસાર થતી હોવાથી વારંવાર ફાટક બંધ થાય છે. જેથી પસાર થતા નાના મોટા વાહનો તેમજ ખાસ કરીને દર્દીઓને લઇને જતી 108 અને સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વઢવાણના ગણપતિ ફાટસર ચાર રસ્તા પરથી શાળા, કોલેજ સહિતના અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ પણ રિક્ષાઓ, બાઇકો સહિતના વાહનો પર અવરજવર કરે છે. આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવા અનેક રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત ચક્કાજામ પણ કરાયા છે. નેતાઓ દ્વારા આવરબ્રિજ બનાવવાના વચનો અપાયા બાદ હજુ પણ ઓવરબ્રિજના ઠેકાણા નથી.
આ અંગે સ્થાનિક લોકોના કહેવા મુજબ વઢવાણ ગણપતિ ફાટસ ચાર રસ્તા પર એક સાથે વાહનોનો જમેલો થઇ જાય છે. તેમાંય ફાટક હોવાના કારણે આ સમસ્યા વધુ વિકટ બની જાય છે. ત્યારે વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી માગણી છે.