Site icon Revoi.in

દ્વારકા નજીક શિવરાજપુર બીચ ખાતે યોજાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ લોકોએ મોજભરીને માણ્યો

Social Share

દ્વારકાઃ  યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સંચાલિત પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમનું શિવરાજપુર બીચ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ લોકોએ મોજભરીને માણ્યો હતો. આ કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, પ્રાચીન સમયથી જ ભારતની ભૂમિ ઉત્સવપ્રિય રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા નિદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સાંસ્કૃતિક સ્થળો તથા પ્રવાસનધામોએ ખૂબ વિકાસ કર્યો છે. દ્વારકાની પાવન ભૂમિના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં પણ અનેક જોગવાઈઓ કરી છે.

આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા દેશમાં અનેક સાંસ્કૃતિક સ્થળોને ટુરિઝમ સર્કીટ તરીકે વિકાસવવાનું નિર્ણય કર્યો છે. જેમાં યાત્રાધામ દ્વારકાનો પણ સમાવેશ થાય છે. સરકાર દ્વારા પ્રવાસન સ્થળોનો વિકાસ કરીને ના માત્ર સંસ્કૃતના મહત્ત્વને ઉજાગર કરી, નાના તથા મધ્યમ વર્ગીય નાગરિકો માટે આજીવિકા પૂરી પાડી છે. આ કાર્યક્રમનો પ્રારંભ બોખીરાના જાણીતી ચામુંડા મહેર રાસ મંડળી દ્વારા સુંદર ઢાલ-તલવાર રાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ ગ્રુપો દ્વારા સુંદર રાસ પણ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના વિશેષ આકર્ષણ લોકસાહિત્યકાર દેવરાજ ગઢવી દ્વારા લોકડાયરાના સુર લહેરાવીને સમગ્ર વાતાવરણને સંસ્કૃતિમય કરી દીધું હતું.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર. પરમાર, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતી કેર, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષા ગોહેલ, વગેરે સાથે મોટી સંખ્યામાં નાગરિકોએ આ સુંદર કાર્યક્રમ નિહાળ્યો હતો.