- સુરેન્દ્રનગરથી તરણેતરનું ST બસનું ભાડુ રૂ. 70થી વધારી રૂ. 120 દેવાયું,
- તરણેતરના મેળામાં એક્સ્ટ્રા બસોના સંચાલનને લીધે STના 35 રૂટ્સ રદ
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકનો સુપ્રસિદ્ધ તરણેતરના ભાતીગળ લોક મેળોનો રંગેચંગે પ્રારંભ થયો છે. મેળાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. મેળા માટે એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. પરંતુ એસટી બસોમાં નિયત સામાન્ય ભાડા કરતા વધુ ભાડું લેવાતા લોકોમાં કટવાટ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી તરણેતર મેળા સુધી પહોંચવા મુસાફરોને એક ટિકિટના રૂ. 120 ચૂકવવા પડતા મુસાફરો અકળાયા હતા. સુરેન્દ્રનગરથી તરણેતરનું સામાન્ય એસટી બસ ભાડું રૂપિયા 70 હતું તે હવે રૂપિયા 120 એટલે કે રૂપિયા 50 વધુ ચુકવવા પડે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા તરણેતરનો મેળો માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ત્યારે આ મેળાનો પ્રારંભ થતાની સાથે જ મેળા માટે તરણેતર તરફ લોકોએ દોટ મૂકી છે. જેમાં ખાનગી કે એસટી બસો સહિતના વાહનોનો લોકો ઉપયોગ કરી રહ્યા છે. અગાઉ લોકો તરણેતરનો મેળો માણવા જતા ત્યારે સુરેન્દ્રનગરથી તરણેતર સુધીનું ભાડુ અંદાજે રૂ. 70 જેટલું થતું હતું. પરંતુ હાલ આ ભાડામાં વધારો ઝીંકાતા મેળારસિકો અકળાયા હતા. સુરેન્દ્રનગરથી તરણેતર અંદાજે 80 કિમી જેટલું અંતર થાય છે. ત્યારે આ મેળા સુધી પહોંચવા માટે હાલ એક ટિકિટના રૂ. 120 તેમજ અડધી ટિકિટના રૂ. 61 મુસાફરોને દેવા પડતા અસંતોષ સાથે રોષની લાગણી ફેલાઇ હતી. બીજી તરફ આ એક્સ્ટ્રા બસ સંચાલનના કારણે જિલ્લાના અંદાજે 35 જેટલા રૂટ પણ બંધ થઇ ગયા હતા.
સુરેન્દ્રનગર એસટી તંત્ર દ્વારા મેળા માટે 15 જેટલી બસ ફાળવીને એકસ્ટ્રા સંચાલન હાથ ધરાયું છે. જ્યારે ભાડા અંગે તંત્રે જણાવ્યું કે, આ ઉચ્ચકક્ષાએથી નક્કી થયેલું જ ભાડું છે. અગાઉ એસટી બસોના ભાડામાં વધારો થયો હતો. આથી ગયા વર્ષે મેળામાં જે ભાડા હોય તે આ મેળામાં પણ ન હોઇ શકે. ભાડા વધારા પ્રમાણે ટિકિટના દર નક્કી કરાયા છે.