પાલનપુરઃ જિલ્લાના કરમાવદ અને મુક્તેશ્વર તળાવોને નર્મદાના નીરથી ભરવા માટે સ્થાનિક લોકો ઘણા સમયથી માગણી કરી રહ્યા છે. આ વર્ષે વડાગામ પંથકના લાકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેમાં પશુપાલકોની સ્થિતિ પણ દયનિય બની છે. જો નર્મદાના નીરથી બન્ને તળાવો ભરવામાં આવે તો 125 જેટલા ગામોની સમસ્યા હલ થઈ જાય તેમ છે. ખેડુતો પણ છેલ્લા ઘણા વખતથી માગણી કરી રહ્યા છે. પરંતુ માગણીનો ઉકેલ ન આવતા 125 ગામોના ગ્રામજનોએ રાત્રે ઘેર-ધેર દીવા પ્રગટાવીને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.
વડગામ અને પાલનપુર પંથકમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે, જેને લઈને છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતો વડગામના કરમાવત તળાવ અને મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની માંગ કરી રહ્યા છે. જોકે ખેડૂતોની માંગ ન સ્વીકારતાં અઠવાડિયા પહેલા વડગામ અને પાલનપુરના 125 ગામોના 20 હજારથી વધુ ખેડૂતોએ મહારેલી યોજીને વિરોધ પ્રદશન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું. સાથે જ કરમાવત તળાવ ભરવાની માંગ કરી હતી. જોકે તેમ છતાં હજુ સુધી સરકાર તરફથી આ દિશામાં કોઈ યોગ્ય પગલાં ન ભરાતા ખેડૂતો ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે આજે 125 ગામોમાં ખેડૂતો, મહિલા પશુપાલકો અને લોકોએ ગામના મંદિરમાં સામુહિક દીપ પ્રગટાવીને મહાઆરતી કરી હતી. ભગવાનને પ્રાર્થના કરી હતી કે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે, જેથી સરકાર ખેડૂતોની વેદના સમજે અને પાણી આપે. તો બીજું બાજુ 125 ગામોના લોકોએ પણ પોતાના ઘરના આંગણામાં એક દીપ પ્રગટાવીને ખેડૂતોને સમર્થન આપ્યું હતું.