- સરકારે દેશના તમામ નેશનલ હાઇવે પર FASTag ફરજિયાત બનાવ્યા
- ગ્રામ્યવિસ્તારના લોકોએ પણ પોતાની કારમાં લગાવવું પડશે FASTag
- લોકલ આઇડી અથવા આધારકાર્ડથી નહીં મળે ટોલ પ્લાઝા પર એન્ટ્રી
દિલ્હીઃ-સરકારે દેશના તમામ નેશનલ હાઇવે પર FASTag ફરજિયાત બનાવ્યો છે. 15 ફેબ્રુઆરીથી તમામ ટોલ પર FASTag જરૂરી બન્યા છે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે, હવે FASTag લગાવવાની તારીખમાં છૂટ આપવામાં આવશે નહીં. એટલે કે, હવે તમારે તમારી કારમાં FASTag લગાવવું જ પડશે, જો આવું ન થાય, તો તમારે દંડ ભરવો પડશે. ખરેખર, સરકારે પહેલેથી જ તેની તારીખો અનેક વખત લંબાવી છે, પરંતુ હવે સરકાર તારીખો ન વધારવાનો નિર્ણય લીધો છે. આ વખતે સરકાર કોઈપણ શિથિલતાના મૂડમાં નથી. ટોલ પ્લાઝા નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ પોતાની કાર પર FASTag લગાવવું ફરજિયાત છે.
હમણાં સુધી ટોલ પ્લાઝાના કર્મચારીઓ કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે આઇડી કાર્ડ અથવા આધારકાર્ડ જોઈને નજીકના ગામોના લોકોને ટોલ ભર્યા વિના જ જવાની છૂટ આપતા હતા. પરંતુ હવે એવું નહીં થાય. તેમને FASTag થી ટોલ ચૂકવવો પડશે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર વાહનચાલકો પાસેથી ડબલ ટોલ ટેક્સ વસુલવામાં આવશે. જોકે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા તેમને એક અલગ સુવિધા આપવામાં આવી છે.
નેશનલ હાઇવે પરના કોઈપણ ટોલ પ્લાઝાના 20 કિ.મી. વિસ્તારમાં આવતા તમામ ગામોને 275 રૂપિયામાં એક મહિના માટે FASTag આપવામાં આવશે. નજીકના ગામોમાં રહેતા કાર ચાલક પોતાનું આધારકાર્ડ બતાવીને તેનો લાભ લઈ શકશે.
ધારાસભ્યો અને સાંસદોને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઝીરો બેલેન્સ FASTag જારી કરવામાં આવેલા છે તેને એક્ઝમટેડ FASTag કહેવામાં આવે છે. દેશના તમામ સાંસદો અને ધારાસભ્યોને આ આપવામાં આવ્યું છે.
એનએચએઆઇ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ,લોકોને FASTag ત્યાંથી રિચાર્જ થશે, જ્યાંથી તેમની ખરીદી કરવામાં આવી છે. એટલે કે જો તમે FASTag એક્સિસ બેંકમાંથી લીધો છે,તો ત્યાંથી રિચાર્જ પણ થશે. અને જો બીજી બેંકમાંથી FASTag રિચાર્જ કરો છે,તો તેના પર 2.5 ટકા લોડિંગ ચાર્જ ચૂકવવો પડશે.
દેવાંશી-