નવી દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં જે રીતે તાલિબાનના આતંકીઓ દ્વારા સત્તાને હાથમાં લઈ લેવામાં આવી તેને જોઈને ઘણા જાણકારોએ પહેલાથી જ આગાહી કરી હતી કે અફ્ઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ વધારે બગડી શકે છે. જાણકારોની આ વાત હવે સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અફ્ઘાનિસ્તાનમાં રહેતા લોકો હવે જીવીત રહેવા માટે પોતાના ઘરનો સામાન વેચી રહ્યા છે.
સ્થિતિ એવી છે કે ઘરનો એક લાખનો સામાન 25 હજાર અફ્ઘાનિ (અફ્ઘાનિએ અફ્ઘાનિસ્તાનની કરન્સી છે)માં વેચવા મજબૂર બન્યા છે અને ભૂખમરા જેવી સ્થિતિ બની રહી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદ ત્યાંના નાગરીકોની જિંદગી દયનીય બની ગઈ છે. પૈસાની કમીને કારણે લોકો ખોરાકનાં વ્યવસ્થા પણ નથી કરી શકતા. ભૂખમરાથી બચવા માટે લોકો પોતાના ઘરોનો સામાન વેચી રહ્યા છે.
અફ્ઘાનિસ્તાનના મીડિયા રિપોર્ટ પ્રમાણે ચમન-એ-હોઝોરી તરફ જતા રસ્તા પર એક માર્ગ પર કાર્પેટ, ફ્રિજ, ટેલિવિઝન, સોફા સહિત અનેક ઘરગથ્થુ વસ્તુઓ રાખેલી છે. લોકો પોતાના પરિવાર માટે રાશન પાણીની વ્યવસ્થા કરવા માટે પોતપોતાના ઘરોથી સામાન લઈને તેને વેચવા માટે માર્ગો પર બેઠા છે.
એક મહિના પહેલા જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારે કાબુલ એરપોર્ટ પરથી દેશમાંથી બહાર નીકળવા માટે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. તાલિબાનનો ડર તો હતો જ, પરંતુ ખાદ્ય ચીજોના ભાવમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો હતો. તે લગભગ 40 ડોલર, પાણીની બોટલ, લગભગ 3,000 રૂપિયા અને એક પ્લેટ ચોખા માટે 100 ડોલર એટલે કે લગભગ 7,500 રૂપિયા હતી. આ માટે પણ માત્ર ડોલર ચૂકવવા પડ્યા હતા, કારણ કે સ્થાનિક ચલણ ‘અફઘાની’થી કોઈ માલ મળી શક્યો ન હતો.
ભૂતપૂર્વ પોલીસ અધિકારી મોહમ્મદ આગાએ જણાવ્યું હતું કે પગાર ન મળવાને કારણે તે છેલ્લા દસ દિવસથી બજારમાં કામ કરી રહ્યા છે. તેણે કહ્યું કે હવે તેની પાસે નોકરી નથી હવે શું કરવું. કાબુલના એક રહેવાસીએ કહ્યું, “હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. મારા પુત્રએ ભૂસ્તરશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. અમે બંને બેરોજગાર છીએ. અમારી પાસે ખોરાકના પૈસા નથી અને અમે અમારો ઘરનો માલ વેચવા આવ્યા છીએ. અમને પરિવારને ખવડાવવા માટે પૈસાની જરૂર છે.”