અમદાવાદમાં લોકોએ થર્ટીફસ્ટની રાતને સેલિબ્રેટ કરી DJના તાલે 2024ના વર્ષને આપ્યો આવકાર
અમદાવાદ: શહેરમાં આજે થર્ટીફસ્ટની રાતને સેલિબ્રેટ કરવા માટે શહેરના સીજી રોડ પર યુવક-યુવતીઓ શહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઉપરાંત શહેરના એસજી રોડ, સિન્ધુભવન રોડ સહિતના વિસ્તારોમાં પણ મોટી સંખ્યમાં યુવક-યુવતીઓએ એકઠા થઈને ડીજેના તાલે ઝૂંમીને સેલીબ્રેટ કરી વર્ષ 2024ને આવકાર આપ્યો હતો. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં રવિવારે મોડી સાંજથી જ યુવાનો પાર્ટી-પ્લોટો અને ક્લબોમાં ઉમટી પડ્યા હતા. શહેરના માર્ગો વાહનોથી ઉભરાઇ ગયા હતા. અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લોકો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે નવા વર્ષની ઉજવણી કરવા પહોંચી ગયા હતા. મોટા ભાગના પાર્ટી પ્લોટ, રિસોર્ટ, ક્લબ અને હોટલ્સમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હતુ. આ વખતે પાર્ટીઓમાં સનબર્ન, લેસર, ડાર્ક લાઈટ, ફાયર ડ્રમ, વોટર ડ્રમ વગેરે ફેમસ થીમ હતી.
નવા વર્ષ 2024ને વધાવવા અમદાવાદના શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. શહેરના સી.જી. રોડ ઉપર આજે સાંજથી થર્ટીફસ્ટ સેલિબ્રેશનનો ઉત્સાહ જોવા મળ્યો હતો. સીજી રોડ પર સાંજથી વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે SG હાઈવે ઉપર પણ કેટલાક પ્રતિબંધં લાધવામાં આવ્યા હતા. બીજી બાજુ શહેરમાં નવા વર્ષની ખુશીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
અમદાવાદના રિંગરોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટમાં યુવાનો હિલોળે ચડ્યા છે. 2024ના વર્ષને વધાવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અનેક પાર્ટી પ્લોટમાં રેડિયો જોકી યુવાનોને મજા કરાવી રહ્યા છે. 2024ના વર્ષને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે નાના બાળકોથી લઈને મોટા સુધીના લોકો ડીજે પર ઝૂમતા જોવા મળ્યા.