અમદાવાદઃ શહેરમાં તાઉ-તે વાવાઝોડાને લીધે મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠાને વિક્ષેપ પહોચ્યો નહતો. પણ શહેરના સીમાડે આવેલા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં શહેરના હાથીજણ વિસ્તારમાં 72 કલાકથી વીજળી પુરવઠો ખોરવાયો હતો. જોકે મરામતનું કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પુરો પાડવામાં આવતો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના હાથીજણ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક લોકો UGVCLની ઓફિસ પર પણ રજૂઆત કરવા માટે ગયા હતા, આમ છતાં તેમને ઉડાઉ જવાબ મળ્યો હતો. વીજ તંત્રના અધિકારીઓ વાતને ગંભીરતાથી લેતા ન હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. વીજ પુરવઠો ન હોવાથી સ્થાનિક લોકોને બે દિવસથી પાણીના ટેન્કર્સ મગાવવા પડે છે. સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે, અમે સમયસર લાઈટ બિલ પણ ભરીએ છે, આમ છતાં અમારે હાલાકી ભોગવવી પડે છે.
આ સમસ્યા અંગે હાથીજનના સ્થાનિકો કહી રહ્યા છે કે, મંગળવારે આ વવાઝોડું આવ્યું ત્યારથી લાઈટો ગુલ છે, અમારા ફ્લેટના અનેક લોકોએ કોલ કરીને ફરિયાદ કરી પરંતુ UGVCLના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. તેઓ અમને ઉડાઉ જવાબ આપે છે. અમારે આ વિસ્તારમાં પહેલા ચોરીના બનાવો બન્યા છે એટલે લોકોને એનો પણ ડર રહે છે. છેલ્લા 72 કલાકથી વીજળીનું કોઈ ઠેકાણું નથી. અમારા ફ્લેટમાં બાળકથી માંડીને વૃદ્ધ તમામ લોકો હેરાન પરેશાન છે. આ મિનિ લોકડાઉનમાં બધા ઘરે તો રહે પરંતુ વીજળી નથી અને તમામના મોબાઈલ પણ ડેડ છે તો લોકો સમય પણ કેવી રીતે પસાર કરે? આ અમદાવાદનો વિસ્તાર છે જો અહીં જ આ પ્રકારની કોઈની સમસ્યાનો નિકાલ ન થતો હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં શું થતું હશે.