અમદાવાદના સાયન્સ સિટીમાં સર્વર ઠપ થતાં ટિકિટ માટે લોકો કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા
અમદાવાદઃ શહેરના સાયન્સસિટીમાં અનેક અજાયબીઓ છે. રોજબરોજ સાયન્સ સિટીમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન રવિવારના દિવસે સાયન્સ સિટીમાં સવારથી જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. અને ટિકિટ મેળવવા માટે લાઈનો લગાવી દીધી હતી. બીજીબાજુ ત્રણ કલાક જેટલા સમય માટે સર્વર ડાઉન રહેતા અને લોકોને પ્રવેશ ન અપાતા ગરમીમાં બાળકો સાથે આવેલા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. એક સમયે લોકોમાં રોષ વધતા પ્રવેશ માટેની 50 રૂપિયા ફી વગર જ લોકોને પ્રવેશ અપાયો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદના સાયન્સ સિટીને નિહાળવા માટે રવિવારે મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. અને ટિકિટ લેવા માટે લાઈનો લગાવી દીધી હતી. દરમિયાન સર્વર ઠપ થઈ જતાં મુલાકાતીઓને લાઈનમાં ઊભા રહેવામાં પરશેવો વળી ગયો હતો. મુલાકાતીઓનો આક્ષેપ હતો કે, ગરમીમાં બાળકોને લઇને આવેલા લોકોને મેનેજમેન્ટ તરફથી કોઇ જવાબ ન મળતા તેઓ ગરમીમાં રઝળ્યા હતા. આ સમગ્ર મુદ્દે સાયન્સ સિટીના મેનેજમેન્ટનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ તેમના તરફથી કોઇ પ્રત્યુત્તર મળ્યો ન હતો.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વેકેશન હોવાથી સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં વધારો થયો થઈ રહ્યો છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે મુલાકાતીઓની સંખ્યા 7 હજારને પાર થઇ જાય છે, ત્યારે સર્વરની ખામીને કારણે રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસથી જ મોટી ખામી સર્જાઇ હતી, જેથી લોકોને પ્રવેશ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય ગેટ પર લોકોનો વિરોધ થતા અને લોકોનો રોષ જોતા લોકોને ફ્રીમાં એન્ટ્રી અપાઇ હતી. સર્વર પર એક સાથે મોટા પ્રમાણમાં ટ્રાફિક હિટને કારણે સર્વરમાં મોટી ખામી સર્જાઇ હતી. ઘણાં લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોવાથી ટિકિટ માટેના રૂપિયા ઓનલાઇન કપાયા હતા, પરંતુ તેઓના મોબાઇલમાં ટિકિટ ડાઉનલોડ થઇ શકી ન હતી. આ લોકોને સાયન્સ સિટીના એક કાઉન્ટર પરથી બીજા કાઉન્ટર પર ધક્કા ખવડાવ્યા હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો હતો. જોકે સર્વર ડાઉન થતાં કલાકો બાદ મુલાકાતીઓને મફતમાં પ્રવેશ આપવાની ફરજ પડી હતી.