Site icon Revoi.in

ભારતના આ રાજ્યમાં રહેતા લોકોએ ઇન્કમટેક્સ ભરવો પડતો નથી,જાણો શું છે કારણ 

Social Share

ગંગટોક:આવકવેરા રિટર્નની તારીખ આવી રહી છે.દેશના દરેક નાગરિક જે આવકવેરાના દાયરામાં આવે છે તેણે ટેક્સ ભરવો પડે છે.એક્ટ, 1961 હેઠળ આવકવેરાની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ શું તમે દેશના એવા રાજ્ય વિશે જાણો છો, જ્યાં રહેતા લોકોને ટેક્સ ચૂકવવો પડતો નથી. તો આવો જાણીએ આ કયું રાજ્ય છે અને અહીંના લોકો ટેક્સ કેમ નથી ભરતા.

ભારતના આ એકમાત્ર રાજ્યનું નામ સિક્કિમ છે.ભારતના બંધારણની કલમ 372(F) મુજબ, સિક્કિમમાં રહેતા લોકોને ટેક્સ સ્લેબની બહાર રાખવામાં આવ્યા છે.તો ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે.

સિક્કિમનું ભારતમાં વિલિનીકરણ વર્ષ 1975માં થયું હતું.સિક્કિમ એ શરત સાથે ભારતનો ભાગ બન્યો કે તે તેના જૂના કાયદા અને વિશેષ દરજ્જાને પહેલાની જેમ જ જાળવી રાખશે.અને ભારત સરકારે આ શરત સ્વીકારી હતી. તેથી, સિક્કિમના પોતાના અલગ કર નિયમો છે, જે વર્ષ 1948માં બનાવવામાં આવ્યા હતા. સિક્કિમ ઈન્કમ ટેક્સ મેન્યુઅલ 1948 હેઠળ, સિક્કિમમાં રહેતા કોઈપણ રહેવાસીએ ભારત સરકારને ટેક્સ ચૂકવવો પડતો નથી.

વર્ષ 2008માં સિક્કિમના લોકોને ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી હતી.સિક્કિમમાંથી જરૂરી ટેક્સ કાયદાઓ પણ દૂર કરવામાં આવ્યા હતા.નાણાકીય વર્ષ માટે કેન્દ્રીય બજેટમાં આવકવેરા કાયદામાં એક અલગ કલમ 10 (26AAA) ઉમેરવામાં આવી હતી.આ કાયદો કહે છે કે સિક્કિમના રહેવાસીઓએ ભારત સરકારને ટેક્સ ચૂકવવો પડશે નહીં.તેમાં કલમ 371 (F) પણ ઉમેરવામાં આવી હતી, જે સિક્કિમના લોકોને મળતા વિશેષ દરજ્જાને બંધારણીય સુરક્ષા પ્રદાન કરે છે.આ સાથે જ ભારત સરકારે સિક્કિમના 94 ટકા લોકોને ટેક્સમાં છૂટ આપી છે.જ્યારે અહીં કેટલાક ખાસ પરિવારો રહેતા હતા જેમને ટેક્સના દાયરામાં રાખવામાં આવ્યા હતા.