સરકારનો કોરોનાને લઈને મોટો નિર્ણય, હવે આ લોકોને પણ મળશે વેક્સિન
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો રોગચાળો કાબુમાં આવી ગયો છે. પણ કોરોનાની સંભવિત ત્રીજા વેવ પહેલા મોટાભાગના લોકોનું રસિકરણ થાય એવા પ્રયાસો સરકારે હાથ ઘર્યા છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ફટપાથ પર રહેતા લોકો અને ભિખારીઓના વેકસીનેશન માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલનમાં વિશેષ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. આ અંગે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. તેથી હવે ગુજરાતમાં ફુટપાથ પર રહેતા લોક અને ખાસ કરીને ભીખારીઓને કોરોનાની વેક્સિન આપવાનું અભિયાન હાથ ધરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફટપાથ પર રહેતા લોકો અને ભિખારીઓ માટે વેકસીનેશન બાબતે સુનાવણી કરી હતી. જેમાં કોર્ટે કેન્દ્રને નોટિસ પાઠવી તેનો જવાબ માંગ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ્ર કહ્યું હતું કે રસ્તા અને લાલ બત્તીઓથી ભિખારીને હટાવવાનો આદેશ કરી શકાતો નથી. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે કહ્યું કે જો ગરીબી ન હોત તો કોઈ ભીખ માંગવા ઇચ્છતું નથી. શેરીમાં રહેતા અને ભિખારીઓના વેકસીનેશન અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ. આથી કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ફુટપાથ પર વસતા લોકો અને મહાનગરોમાં ચારરસ્તાઓ પર ફરતા ભીખારીઓને વેક્સિનેશન માટે સુચના આપી છે. તેથી ગુજરાતમાં પણ ફૂટપાથ પર વસતા લોકો અને ભીખારીઓને વેક્સિન આપવા માટે સામાજિક સંસ્થઓની મદદ લેવામાં આવશે.