ગાંધીનગરઃ રાજ્યમાં શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે મંદિરોમાં ભાવિક-ભક્તોની ભીડ જોવા મળી રહી છે. શ્રાવણમાં ઘણાબધા ભાવિકો ઉપવાસ અને એકટાંણા કરતા હોય છે. એટલે ફરાળની જુદી જુદી વાનગીઓની માગ વધી રહી છે. અમદાવાદ અને ગાંધીનગરના બજારોમાં દરેક ફરસાણની દુકાનો પર ફરાળી વાનગીઓનું ભારે માત્રામાં વેચાણ થઇ રહ્યું છે. ત્યારે સમયની માંગ પ્રમાણે હવે બજારોમાં અવનવી વેરાઇટીની ફરાળી વાનગીઓની પણ ડિમાન્ડ વધી જવા પામી છે. જેમાં ફરાળી પેટીસ, ઇડલી, ચાટ, ફરાળી પીઝા તેમજ ભેળ અને ફીંગરચીપ્સનો સમાવેશ થાય છે.
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની પૂજા અર્ચના તેમજ આરાધના કરવાનો મહિમા અનેરો હોય છે. ત્યારે આ શ્રાવણ માસમાં શિવ ભક્તો દ્વારા પૂજા – અર્ચનાની સાથે સાથે ઉપવાસ કરવાનું પણ મુનાસીફ માનતાં હોય છે. મહાદેવની પુજા અર્ચનાની સાથે સાથે ભક્તો દિવસ દરમિયાન ફરાળી વાનગીઓનો સ્વાદ પણ માણતાં હોય છે.ગાંધીનગરના સેકટર 11 માં આવેલી સ્વીટસની દુકાનમાં શ્રાવણ માસ નિમિત્તે વેપારી દ્વારા ફરાળી બ્રેકફાસ્ટની વિવિધ ચીજવસ્તુઓ ગ્રાહકોને અનુરૂપ બનાવવામાં આવી છે. આ શોપ ઉપર ઇન્સન્ટ ગરમાગરમ ફરાળી પેટીસ, ઇડલી, ચાટ, ફરાળી પીઝા તેમજ ભેળ અને ફીંગરચીપ્સ ગ્રાહકોને પુરા પાડવામાં આવી રહ્યાં છે.
આમ તો દર વર્ષે શ્રાવણ માસમાં સાબુદાણાની વિવિધ વાનગીઓને સાથે સાથે વેફરની લહેજત માણતા હોય છે. પરંતુ ધીમે ધીમે બદલાતાં જતાં સમયની સાથે સાથે શ્રાવણ માસમાં આરોગવામાં આવતાં ફરાળમાં પણ ચેન્જ આવ્યો છે. દિવસ દરમ્યાન આરોગવામાં આવતી ફરાળી વાનગીઓના મેનુમા પણ જે પ્રકારે બદલાવ આવી રહ્યો છે તે પ્રકારે ભક્તો સ્વાદ અનુસાર આરોગી રહ્યા છે. આ અંગે અમદાવાદના સેટેલાઈટમાં એક જાણીતા ફરસાણની દુકાન ધરાવતા વેપારીએ જણાવ્યું હતું કે, કોરોના કાળના કારણે ગત વર્ષે 50 ટકા શ્રાવણ મહિનામાં ઘરાકી રહી હતી. પરંતુ હાલમાં કોરોના સંક્રમણ ઓછું થતાં માર્કેટમાં 70 થી 80 ટકા ઘરાકી શ્રાવણ માસ દરમિયાન ખુલી છે.
હાલમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગ્રાહકોમાં ડિમાન્ડ ફરાળી પીઝા, બર્ગર, શક્કરપારા મસાલાવાળી પુરી, ચેવડો, સાબુદાણા પેટીસ, આલુ ટીકી,,ખીચડી, પનીર પેટીસ ઉપરાંત પ્લેટરમાં થેપલા, ખીચડી, બફ વડા, દહીં તેમજ એક સ્વીટ સાથેની પ્લેટ પણ લોકો પસંદ કરી રહ્યા છે. વધુમાં વિપુલ ભાઇએ ઉમેર્યું હતું કે, વિવિધ પ્રકારના હલવા સહિત યુવા વર્ગમાં ફરાળી પીઝા, પફ, દિલ્હી ચાટ, લીલી ભેળ તેમજ ચેવડો ફેવરિટ છે. તે સિવાય રજવાડી રબડી, કેસર બાસુંદી, રજવાડી લસ્સી જેવી અનેક ફરાળી વાનગીઓ બજારમાં ઉપલબ્ધ છે.