વડોદરાઃ શહેરના વાઘોડિયા વિસ્તારમાં ક્રિષ્ના કોમ્પ્લેક્ષથી સાનિધ્ય ટાઉનશિપ રોડ પર વીએમસી દ્વારા 9 મીટરનો રોડ મંજૂર કરવામાં આવેલો હતો, છતાં 4 મીટરનો નાનો રોડ બનાવાતા 12 જેટલી સોસાયટીના રહિશો ઉગ્ર વિરોધ કરીને ચૂંટણી બહિષ્કારનું એલાન આપ્યું છે. સોસાયટીના રહિશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવતા પોલીસ દોડી આવી હતી. અને બેનરો ઉતરી લીધા હતા. પોલીસની કામગીરી સામે પણ લોકોએ વિરોધ કર્યો હતો.
વડોદરા શહેરના ક્રિષ્ના કોમ્પ્લેક્ષથી સાનિધ્ય ટાઉનશિપ રોડ પર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 9 મીટરનો રોડ મંજૂર કરવામાં આવેલો હતો, છતાં હાલ માત્ર 4 મીટરનો જ રોડ બનાવવામાં આવી રહ્યો છે. ઉપરાંત આ વિસ્તારમાં પાણીની પણ સમસ્યા છે. આથી 12 સોસાયટીઓના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. અને ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા હતા.પણ આ બાબતની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને બેનરો પોલીસે ઉતારી લીધા હતા.
વડોદરાના વાઘોડિયા રોડ બાપોદ પોલીસ સ્ટેશનની પાછળ આવેલી પર્ણછાયા, કમલાપાર્ક, દ્વારકેશ, પર્ણશિલ, આશ્રય, શ્યામલ રેસિડેન્સી, બંશરી વગેરે 12 જેટલી સોસાયટી આવી છે. આ સોસાયટીઓ ક્રિષ્ના કોમ્પ્લેક્ષથી સાનિધ્ય ટાઉનશિપ રોડ ઉપર આવેલી છે. રોડ સાંકડો હોવાના કારણે અવારનવાર અકસ્માતોના બનાવો બને છે. આ રોડ પર આવેલી 25 ઉપરાંત સોસાયટીના અનેક લોકોની અવરજવર છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 9 મીટરનો રોડ મંજૂર કરવામાં આવેલો છે, છતાં 4 મીટરનો રોડ બનાવાતા વિરોધ ઊભો થયો છે. આ ઉપરાંત આ વિસ્તારમાં પાણીની પણ વિકટ સમસ્યા છે. પુરતા પ્રમાણમાં પાણી આવતું ન હોવાથી લોકોને વેચાતું પાણી લાવવાની ફરજ પડે છે. તેથી સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો 9 મીટરનો રોડ પહોળો કરીને બનાવવામાં નહીં આવે અને પાણીનો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું.