Site icon Revoi.in

ડીસાના 5 ગામના લોકોએ બેફામ દોડતા ડમ્પરો સામે પગલાં લેવા પ્રાંતને આપ્યું આવેદનપત્ર

Social Share

ડીસાઃ બનાસકાંઠામાં ખનીજચોરીનું વ્યાપક દુષણ જોવા મળી રહ્યું છે. જેમાં બનાસ નદીમાંથી રેતી ભરેલા ડમ્પરો સતત અવર-જવર કરતા હોય છે. નદીકાંઠે આવેલા દરેક ગામના લોકો રેતીના ખનન સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના પાંચ ગામોના લોકોએ રેતી ભરીને ઓવરલોડ દોડતા વાહનોને અંકુશમાં લેવા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને રજુઆત કરી છે.

ડીસા તાલુકાના વાસણા, ગોળીયા, જૂનાડીસા, દશાનાવાસ અને લૂણપુર ગામના 100થી વધુ ગ્રામજનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ. જેમાં રેતી ભરીને દોડતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. જુના ડીસા વાસણા રોડ પર રેતી ભરીને દોડતાં વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવેલ હોવા છતાં વાહનો દોડી રહ્યા છે. ત્યારે આ વાહનો બંધ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

ડીસા તાલુકાના 5 ગામોના લોકોએ એવી રજુઆતો કરી હતી કે,  બનાસ નદીમાથી મોટી માત્રામાં રેતીનું ખનન થઇ રહ્યું છે. રેતી ભરીને દોડતાં ડમ્પરો અને ટ્રકોના લીધે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. જેને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની રજુઆતના પગલે રેતી ભરેલા ડમ્પરોને નદી સિવાયના માર્ગો પરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારે આ જાહેરનામું કોઈના દબાણથી રદ્દ કરવામાં ના આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી.

આ અંગે નાયબ કલેકટર નેહા પંચાલે જણાવ્યું હતું કે, તાજેતરમાં જ કલેક્ટર દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાથી રેતી ભરેલા ડમ્પરોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. અને આ પ્રતિબંધ આગામી 31મી ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની ગ્રામજનોને ખાતરી આપવામાં આવી હતી.